સુરતના એક RTI કાર્યકર્તા અમિત તિવારી દ્વારા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સ્થાપક અભિજીત દિપકે અને તેમના પરિવારની નાણાકીય પરિસ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ મામલે તેમણે ચૂંટણી પંચ (ECI), સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) તેમજ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ સત્તાવાર ફરિયાદો નોંધાવી છે, જેના કારણે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

અપ્રમાણસર ઉચ્ચ સ્તરીય સંપત્તિના તપાસની માંગ

અમિત તિવારીએ પ્રશ્ન કર્યો છે કે અભિજીત દિપકેના પિતા ભગવાનરાવ દિપકે, જેઓ મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (MIDC) માં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા અને તેમનો માસિક પગાર માત્ર 60,000 થી 65,000 રૂપિયાની આસપાસ હતો, તો તેઓ પોતાના બાળકોને વિદેશ (અમેરિકા) મોકલીને મોંઘું શિક્ષણ અપાવવાનો ખર્ચ કેવી રીતે ઉઠાવી શક્યા? આ મામલે અપ્રમાણસર સંપત્તિની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.
https://twitter.com/ANI/status/2083737315109925117

1 કરોડના દાન પર 18 ટકા GST

આ ઉપરાંત, આ કેસમાં રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલ દ્વારા CJP ને દાનમાં આપવામાં આવેલા 1 કરોડ રૂપિયાના ભંડોળને લઈને પણ વિવાદ વકર્યો છે. RTI કાર્યકર્તાએ CBIC માં ફરિયાદ કરીને આ 1 કરોડ રૂપિયાના દાન પર 18 ટકા GST વસૂલવાની માંગ કરી છે. સાથે જ ચૂંટણી પંચમાં દલીલ કરવામાં આવી છે કે કોઈપણ સંગઠન જો રાજકીય પક્ષ તરીકે કાર્યરત હોય અને જનતા કે અન્ય સ્તોત્રો પાસેથી ફંડ સ્વીકારતું હોય, તો તેણે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 29A હેઠળ નોંધણી કરાવવી અનિવાર્ય છે. CJP રજિસ્ટર્ડ રાજકીય પક્ષ ન હોવા છતાં મોટું ભંડોળ મેળવી રહી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મુદ્દાથી ભટકાયેલી વાત પર વિવાદ 

આ આંદોલનની શરૂઆત અને તેની દિશા બદલાવા પર પણ સવાલો ઉઠ્યા છે. શરૂઆતમાં આ સંગઠન અથવા આંદોલનનો મુખ્ય હેતુ NEET પેપર લીક વિરુદ્ધ વિદ્યાર્થીઓના હિતમાં અવાજ ઉઠાવવાનો હતો, પરંતુ બાદમાં તે પોતાના મૂળ ઉદ્દેશ્યથી ભટકી ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પરિવાર વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. હાલમાં આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સંબંધિત સરકારી એજન્સીઓ દ્વારા તથ્યોના આધારે યોગ્ય તપાસ કરવામાં આવે અને કાનૂની પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

આ પણ વાંચોઃ Healthy Eyes: આંખોને આજીવન સ્વસ્થ રાખવી છે? આજે જ અપનાવો આ સરળ ટિપ્સ