નવી દિલ્હીમાં જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા વિરોધ પ્રદર્શન અને ત્યારબાદ કરાયેલી અટકાયતો અંગે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંસ્થા (OHCHR) ની ટિપ્પણી પર ભારતે અત્યંત આકરો વિરોધ નોંધાવ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ પ્રતિક્રિયાને "અત્યંત પસંદગીયુક્ત" અને બેવડા ધોરણો ધરાવતી ગણાવીને ફગાવી દીધી છે.
સંયમ રાખવા અને અર્થપૂર્ણ વાતચીત શરૂ કરવા વિનંતી
સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારના પ્રવક્તા થામીન અલ-ખેઇતાને શનિવાર, 10 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનો અને ત્યારબાદ પોલીસ દ્વારા વિરોધ કરનારા નેતાઓ, વકીલો, પત્રકારો અને નાગરિક સમાજ સંગઠનોના સભ્યોની મોટા પાયે કરાયેલી અટકાયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભારતીય સત્તાવાળાઓને શાંતિપૂર્ણ સભાના અધિકારનું સન્માન કરવા અને અટકાયત કરાયેલા લોકોને બિનશરતી તાત્કાલિક મુક્ત કરવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પ્રત્યે અત્યંત સંયમ રાખવા અને અર્થપૂર્ણ વાતચીત શરૂ કરવા વિનંતી કરી હતી.
ભારત સરકાર અને વિદેશ મંત્રાલયનો તીખો જવાબ
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ભારત સરકારનું વિગતવાર નિવેદન જાહેર કરીને OHCHR નો પર્દાફાશ કર્યો હતો. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું કે ભારતની આંતરિક બાબતોમાં આ પ્રકારની ટિપ્પણીઓ બિલકુલ અસ્વીકાર્ય છે.
ભારતે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે ભારતના પડોશી દેશોમાં આંદોલનકારીઓ પર પોલીસ દ્વારા ભયાનક અત્યાચારો અને હિંસક કાર્યવાહી કરવામાં આવી રહી હતી, ત્યારે આ સંસ્થા મૌન રહી હતી. પરંતુ ભારતમાં જ્યારે માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સામાન્ય અટકાયતી પગલાં લેવામાં આવ્યા, ત્યારે આ સંસ્થા તરત જ જાગી ગઈ. આવા બેવડા ધોરણોને કારણે માનવાધિકાર સંસ્થાની પોતાની વિશ્વસનીયતા નબળી પડી રહી છે.
લોકશાહી અને બંધારણીય મૂલ્યોનો ઉલ્લેખ
સરકારે પોતાના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત વિશ્વની સૌથી મોટી અને મજબૂત લોકશાહી છે. દેશના બંધારણમાં દરેક નાગરિકને શાંતિપૂર્ણ સભા અને વિરોધ કરવાનો અધિકાર સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. મજબૂત લોકશાહી સંસ્થાઓ, સ્વતંત્ર ન્યાયતંત્ર અને મુક્ત મીડિયા આ અધિકારોનું રક્ષણ કરવા માટે પૂરતા સમર્થ છે, જેથી કોઈ બાહ્ય સંસ્થાની સલાહ કે દખલગીરીની જરૂર નથી.
આ પણ વાંચોઃ Diwali Special Trains 2026: તહેવારોમાં સરળતાથી પહોચી જશે ઘરે, 100 સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત