ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વ્યાપાર કરાર (Trade Deal) ને ગતિ આપવા માટે વૈશ્વિક સ્તરે હલચલ તેજ થઈ ગઈ છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર આ અંગે મહત્વની માહિતી શેર કરી છે.
પીયૂષ ગોયલે ટ્રેડ ડીલને લઇને શું કહ્યું ?
સર્જિયો ગોરે ટ્વિટ કરતા જણાવ્યું કે ભારત-યુએસ ટ્રેડ ડીલના સંદર્ભમાં ભારતના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે શ્રેણીબદ્ધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચર્ચાને આગળ વધારવા માટે તેઓ અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ એમ્બેસેડર ગ્રીરના ભારત આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ભારત પોતાના હિતો સાથે કોઈ બાંધછોડ નહીં કરે: પીયૂષ ગોયલ
બીજી તરફ, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે 20 જૂનના રોજ આ ડીલ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ભાજપ મુખ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં સુધી ભારતને અન્ય દેશોની સરખામણીમાં સ્પષ્ટ અને મોટો આર્થિક ફાયદો ન દેખાય, ત્યાં સુધી આ સમજૂતીનો અમલ કરવામાં નહીં આવે.
India-US Trade Deal:
માળખું તૈયાર છે, પણ ટેરિફનો પેચ ફસાયો
મંત્રી ગોયલે ખુલાસો કર્યો હતો કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર કરારનું મુખ્ય માળખું (Framework) પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું છે અને તેના પર બંને પક્ષો સહમત પણ છે. પરંતુ ખરી અડચણ ટેરિફ એટલે કે ટેક્સ સંબંધિત વિવાદોને કારણે ઊભી થઈ છે, જે હજુ સુધી સંપૂર્ણપણે ઉકેલાઈ નથી.
તેમણે ઉમેર્યું કે ફ્રેમવર્ક ફાઇનલ થયા બાદ ટેરિફના મુદ્દે સુપ્રીમ કોર્ટનો એક આદેશ પણ આવ્યો છે. આવી સ્થિતિમાં, દેશના હિતોને સર્વોપરી રાખીને જ અંતિમ નિર્ણય લેવાશે.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર ભારતની નવી રણનીતિ
પીયૂષ ગોયલે દેશની વ્યાપારિક પ્રગતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના વેપાર નેટવર્કનો વ્યાપક વિસ્તાર કર્યો છે.ભારતે અત્યાર સુધીમાં દુનિયાના 38 દેશો સાથે કુલ 9 મુક્ત વ્યાપાર કરાર (Free Trade Agreements - FTA) કર્યા છે.
સરકાર હાલમાં વૈશ્વિક બજારના પડકારોને પહોંચી વળવા માટે નવી વ્યૂહરચનાઓ પર કામ કરી રહી છે. આ સાથે જ સ્થાનિક સ્તરે ખેડૂતોના આર્થિક રક્ષણ માટે ફર્ટિલાઇઝર સબસિડી (ખાતર સહાય) જેવી કલ્યાણકારી યોજનાઓ પણ અવિરત ચાલુ રાખવામાં આવી છે. મંત્રીએ અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરકારનું મુખ્ય લક્ષ્ય દેશનો સર્વાંગી વિકાસ સાધવાનું છે અને આગામી 12 વર્ષ તો ભારતની આર્થિક મહાસત્તા બનવાની માત્ર એક શરૂઆત હશે.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?