ભારત અને બ્રિટન (UK) વચ્ચેના વેપાર અને આઇટી ક્ષેત્રને લઈને એક ખૂબ જ મહત્વના અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. બંને દેશો વચ્ચે થયેલા સામાજિક સુરક્ષા કરાર (Social Security Agreement) ને કારણે બ્રિટનમાં કાર્યરત હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને 900 થી વધુ ભારતીય કંપનીઓને કરોડો રૂપિયાનો સીધો ફાયદો થવા જઈ રહ્યો છે. આ કરાર અને વ્યાપક આર્થિક તથા વ્યાપાર કરાર (CETA) આગામી 15 જુલાઈથી સત્તાવાર રીતે લાગુ થવા જઈ રહ્યા છે.
શું છે આ નવો નિયમ અને કેવી રીતે થશે ફાયદો?
નવા નિયમ અનુસાર, જો કોઈ ભારતીય કંપની તેના કર્મચારીને અસ્થાયી રૂપે (Temporary) બ્રિટન મોકલે છે અને જો તે કંપની ભારતમાં તે કર્મચારીના સોશિયલ સિક્યોરિટી ફંડ (PF વગેરે) માં યોગદાન આપી રહી છે, તો તેણે બ્રિટનમાં તે ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ માટે કંપનીએ માત્ર એક 'કવરેજ સર્ટિફિકેટ' સબમિટ કરવું પડશે.
આ કરાર હેઠળ, અસ્થાયી રૂપે મોકલવામાં આવેલા કર્મચારીઓ યજમાન દેશમાં મહત્તમ 5 વર્ષ સુધી સામાજિક સુરક્ષા ફંડના હિસ્સામાંથી મુક્ત રહેશે. આ ભારતની ખૂબ જ જૂની અને મુખ્ય માંગણી હતી, જેને હવે મંજૂરી મળી ગઈ છે.
75,000 આઇટી કર્મચારીઓ અને મોટી કંપનીઓને લોટરી
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, બ્રિટનમાં હાલમાં આશરે ૭૫,૦૦૦ ભારતીય પ્રોફેશનલ્સ કાર્યરત છે અને 900થી વધુ ભારતીય કંપનીઓ ત્યાં બિઝનેસ કરી રહી છે. ભારતીય મૂળના આ પ્રોફેશનલ્સ દર વર્ષે બ્રિટનની સામાજિક સુરક્ષા પ્રણાલીમાં આશરે 50 કરોડ ડોલર (અંદાજે 47,000 કરોડ રૂપિયાથી વધુ) નું યોગદાન આપે છે. બ્રિટનમાં સોશિયલ સિક્યોરિટીનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 10 વર્ષની સેવા જરૂરી હોય છે, જેના કારણે ટૂંકા ગાળા માટે જતા ભારતીયોના આ પૈસા ત્યાં ફસાઈ જતા હતા. હવે 15 જુલાઈથી ભારતીય આઇટી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ જેવી કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અને ઇન્ફોસિસ (Infosys) ને આનો સીધો અને મોટો આર્થિક લાભ મળશે.
ભારત-બ્રિટન વચ્ચેનો વિશાળ વેપાર
બ્રિટન એ ભારતના 283 અબજ ડોલરના વિશાળ આઇટી ઉદ્યોગ માટે બીજા નંબરનું સૌથી મોટું નિકાસ બજાર છે. ભારતના કુલ આઇટી નિકાસમાં બ્રિટનનો હિસ્સો લગભગ 17 ટકા જેટલો છે. વર્ષ 2024 માં, ભારતની બ્રિટનમાં સેવાઓની નિકાસ 21.6 અબજ ડોલર રહી હતી, જ્યારે આયાત માત્ર 13.7 અબજ ડોલર હતી. આ નવો કરાર બંને દેશો વચ્ચેના સંબંધો અને સેવા ક્ષેત્રની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે તથા બ્રિટિશ માર્કેટમાં ભારતીય કંપનીઓની સ્પર્ધાત્મકતામાં વધારો કરશે.
આ પણ વાંચો:Canada:ઇમિગ્રેશનની કડક નીતિ નડી! કેનેડાની વસ્તીમાં નોંધાયો મોટો ઘટાડો, શું સરકાર ફરીથી નિયમો હળવા કરશે?