અમેરિકા અને ભારત વચ્ચે થયેલા તાજેતરના વેપાર કરાર પર દેશભરમાંથી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેન્દ્ર સરકાર તેને ભારત માટે એક મોટી જીત તરીકે રજૂ કરી રહી છે, જ્યારે વિપક્ષ તેને ભારત માટે હાર અને અમેરિકા માટે જીત તરીકે વર્ણવી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે વેપાર કરાર અંગે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના આરોપોનો તીખો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે મને સમજ નથી પડતી કે કે આટલા અણસમજૂ વ્યક્તિને નેતા વિપક્ષ કેવી રીતે બનાવ્યા.
રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપે છે- પીયૂષ ગોયલ
ગોયલે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી અર્થતંત્રને સમજ્યા વિના ખોટા નિવેદનો આપે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એ સમજવામાં નિષ્ફળ ગઈ છે કે અર્થતંત્રની સમજ ન ધરાવતી વ્યક્તિ પાસે જૂઠાણું, છેતરપિંડી અને ટ્વીટ સિવાય કંઈ નથી, અને તે સત્યથી હજારો માઈલ દૂર છે.
શું કર્યો છે રાહુલ ગાંધીએ દાવો ?
એ નોંધવું જોઈએ કે રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જો બાંગ્લાદેશ યુનાઇટેડ સ્ટેટ્સથી યાર્ન અથવા કપાસ ખરીદે છે, તો તેને શૂન્ય ડ્યુટી પર યુનાઇટેડ સ્ટેટ્સમાં કાપડ નિકાસ કરવાથી મુક્તિ આપવામાં આવી છે. પીયૂષ ગોયલે જવાબ આપ્યો કે ભારતને પણ આ જ વિશેષાધિકાર મળશે. જો ભારતીય નિકાસકારો અમેરિકાથી કપાસ કે યાર્ન ખરીદે છે તેને અહીં પ્રોસેસ કરે છે અને પછી અમેરિકામાં નિકાસ કરે છે, તો તેમને પણ શૂન્ય ડ્યુટીનો લાભ મળશે. તેમણે કહ્યું કે આ કોઈ નવી સિસ્ટમ નથી પરંતુ આ જોગવાઈ પહેલાથી જ અસ્તિત્વમાં છે.
કપાસ ઉત્પાદન ક્ષમતા વધશે - ગોયલ
પોતાના નિવેદનમાં ગોયલે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભારતની કપાસ ઉત્પાદન ક્ષમતા વધશે અને તેની માંગ પણ વધશે. આયાત, પ્રક્રિયા અને પછી નિકાસ કરવાની નીતિ નવી નથી. તે વર્ષોથી વિદેશી વેપાર નીતિનો એક ભાગ રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સરકાર દરમિયાન ઘડવામાં આવેલા SEZ કાયદામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે કાચા માલને શૂન્ય ડ્યુટી પર આયાત કરી શકાય છે, પ્રક્રિયા કરી શકાય છે અને નિકાસ કરી શકાય છે. તેમણે કહ્યું કે આનાથી રોજગાર વધશે, વિદેશી વિનિમય ઉત્પન્ન થશે અને દેશની આર્થિક શક્તિ મજબૂત થશે.