ભારતીય સેના તેના પરંપરાગત રેન્ક માળખામાં એક ઐતિહાસિક અને મોટો ફેરફાર કરવાની ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનામાંથી 'બ્રિગેડિયર' રેન્ક નાબૂદ કરીને કર્નલને સીધા 'મેજર જનરલ'ના પદ પર બઢતી આપવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ મહત્વપૂર્ણ ભલામણ ટૂંક સમયમાં સંરક્ષણ મંત્રાલય મારફતે આઠમા કેન્દ્રીય પગાર પંચને સુપરત કરવામાં આવે તેવી શક્યતા છે.
કર્નલ બનશે હવે સીધા જનરલ
આ પ્રસ્તાવ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સૈન્ય અધિકારીઓની કારકિર્દી પ્રગતિને ઝડપી બનાવવાનો અને સિવિલ સર્વિસીસ (IAS, IPS) સાથેના પગાર તથા રેન્કના તફાવતને દૂર કરવાનો છે. હાલમાં સેનાનું માળખું પિરામિડ આકારનું હોવાથી ઉપલા પદો મર્યાદિત છે. પરિણામે, એક સૈન્ય અધિકારીને મેજર જનરલના પગાર સ્તર સુધી પહોંચવામાં સરેરાશ 32 થી 33 વર્ષ લાગી જાય છે, જ્યારે સિવિલ સર્વિસના અધિકારીઓ માત્ર 16 થી 18 વર્ષમાં જ આ સ્તરે પહોંચી જાય છે. આ અસમાનતા દૂર કરવા માટે ૨૦૧૮માં તત્કાલીન આર્મી ચીફ જનરલ બિપિન રાવતના સમયમાં પણ આ અંગે ચર્ચા થઈ હતી, જેને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
