ટેકનોલોજી જગતની દિગ્ગજ કંપની એપલે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મોટું પગલું ભરીને એક નવી AI હેલ્થ એપ લૉન્ચ કરી છે. આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય વપરાશકર્તાઓને સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોના જવાબો માત્ર સામાન્ય માહિતીના આધારે નહીં, પરંતુ વિશ્વસનીય તબીબી સંશોધન અને ક્લિનિકલ ડેટાના આધારે પૂરા પાડવાનો છે. હાલના સમયમાં જ્યારે લાખો લોકો ChatGPT જેવા AI ચેટબોટ્સનો ઉપયોગ સ્વાસ્થ્ય સલાહ માટે કરી રહ્યા છે, ત્યારે એપલની આ પહેલ ChatGPT સામે સીધી સ્પર્ધા તરીકે જોવામાં આવી રહી છે.

Apple Health AI લોન્ચ

એપલે આ નવી એપનું નામ 'Apple Health AI ઉપયોગ અભ્યાસ' રાખ્યું છે. કંપની આ એપ દ્વારા એ સમજવા માંગે છે કે લોકો સ્વાસ્થ્ય સવાલો માટે AI નો ઉપયોગ કેવી રીતે કરે છે અને આ તકનીકને વધુ સુરક્ષિત કેવી રીતે બનાવી શકાય. રિપોર્ટ્સ મુજબ, ChatGPT પર દર અઠવાડિયે આશરે ૩૦૦ મિલિયન સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો પૂછવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખીને એપલે આ ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવાની તૈયારી શરૂ કરી છે.

મોટાં મોટાં પ્રકાશનો અને રિસર્ચ આધારિત હશે જવાબ

આ એપની સૌથી મોટી વિશેષતા એ છે કે તેના જવાબો 'ધ ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન', 'JAMA' અને 'નેચર' જેવા અગ્રણી તબીબી પ્રકાશનો અને રિસર્ચ પર આધારિત હશે. વપરાશકર્તાઓ પોતાની પૂર્વ પરવાનગી આપીને આ એપ્લિકેશનને તેમના 'Apple Health' ડેટા અને તબીબી રેકોર્ડ સાથે પણ કનેક્ટ કરી શકે છે, જેથી તેમને વધુ સચોટ માહિતી મળી શકે. આ એપ માત્ર સવાલોના જવાબ જ નહીં આપે, પરંતુ ડૉક્ટરની મુલાકાત લેતા પહેલા પૂછવાના મહત્વપૂર્ણ પ્રશ્નો તૈયાર કરવામાં પણ મદદ કરશે.

યુએસમાં પસંદગીના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ

હાલમાં આ એપ્લિકેશન યુએસમાં પસંદગીના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. કંપનીએ તેના ઉપયોગ માટે કેટલાક કડક માપદંડો નક્કી કર્યા છે; જેમ કે વપરાશકર્તાની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ હોવી જોઈએ, તેમની પાસે iPhone 15 કે તેથી વધુનું મોડેલ હોવું જોઈએ, ફોનમાં iOS 26 કે તેનાથી ઉપરનું વર્ઝન હોવું જોઈએ અને ડિવાઇસમાં Apple Intelligence સુવિધા સક્રિય હોવી અનિવાર્ય છે.

સરળ ભાષામાં આપશે જવાબ

એપલની આ નવી એપ્લિકેશન ChatGPT ની જેમ જ સરળ ભાષામાં વપરાશકર્તાના પ્રશ્નોના જવાબ આપશે. જો કોઈ યુઝરને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા હશે, તો એપ સંબંધિત ડૉક્ટર કે હેલ્થકેર પ્રોવાઇડર વિશે માહિતી પણ આપશે. જોકે આ એપ હાલમાં એક અભ્યાસનો ભાગ છે, પરંતુ ભવિષ્યમાં તે મેડિકલ AI ની દિશા બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

આ પણ વાંચોઃ Hormuz Strait: 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલ પાણીમાં! પેટ્રોલ ડીઝલના ભાવ પહોંચશે આસમાને?