મધ્ય પૂર્વના અત્યંત વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગમાં ફરી એકવાર યુદ્ધ જેવો તણાવ સર્જાયો છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નૌકાદળે રવિવારે એક ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટના દક્ષિણ માર્ગમાંથી પસાર થઈ રહેલા છ તેલ ટેન્કરો દરિયાઈ ખાણો સાથે અથડાયા છે, જેના પરિણામે તેમાં ભીષણ આગ લાગી છે અથવા તે ડૂબી ગયા છે.
20 લાખથી વધુ ક્રૂડ ઓઇલ પાણીમાં ડૂબ્યું
તેહરાનના મીડિયા રિપોર્ટ અનુસાર, આ જહાજો અમેરિકન લશ્કરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અને યુએસ ફાઇટર જેટ્સની સુરક્ષા (એસ્કોર્ટ) સાથે અનધિકૃત દક્ષિણ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. IRGC એ આક્ષેપ કર્યો છે કે આ ટેન્કરોએ પોતાની ઓળખ અને નેવિગેશન સિસ્ટમ બંધ કરી દીધી હતી. આ વિસ્ફોટોમાં 20 લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઇલ વહન કરતું એક વિશાળ સુપરટેન્કર પણ ડૂબી ગયું હોવાનો દાવો કરાયો છે. આ સાથે જ ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે અમેરિકા સાથે સહયોગ કરતી શિપિંગ કંપનીઓને નિશાન બનાવવામાં આવશે.
ઇરાનના દાવાઓની હજુ સુધી કોઇ પુષ્ટિ નહી
જોકે, ઈરાનના આ દાવાઓની હજુ સુધી કોઈ સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા કે દરિયાઈ દેખરેખ રાખતી એજન્સી દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. ઈરાન દ્વારા જહાજોના નામ, ધ્વજ કે માલિકોની વિગતો જાહેર ન કરાઈ હોવાથી તેની સત્યતા તપાસવી મુશ્કેલ બની છે. બીજી તરફ, યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અગાઉ જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટના મુખ્ય માર્ગો ખાણોથી સુરક્ષિત છે અને તેના પર અમેરિકાનું નિયંત્રણ છે.
બંદરોની નાકાબંધી કરી ટેન્કરોને સુરક્ષા આપવાનું કર્યુ શરૂ
ઉલ્લેખનીય છે કે, વિશ્વના લગભગ 20 ટકા તેલ અને LNG નો પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટ મારફતે જ પસાર થાય છે. ફેબ્રુઆરી 2026 માં શરૂ થયેલા સંઘર્ષ બાદ ઈરાને આ માર્ગ પર પ્રતિબંધો મૂક્યા હતા, જેના જવાબમાં અમેરિકાએ ઈરાની બંદરોની નાકાબંધી કરી ટેન્કરોને સુરક્ષા આપવાનું શરૂ કર્યું હતું.
ઓઇલ નષ્ટના કારણે પેટ્રોલ ડીઝલમાં પણ થઇ શકે છે નુકસાન
નિષ્ણાતોના મતે, ભલે ઈરાનના દાવાઓ પ્રચારનો ભાગ હોઈ શકે, પરંતુ જો આ ઘટનાઓ સાચી હોય તો દરિયામાં તેલ ઢોળાવાથી પર્યાવરણને ભારે નુકસાન થશે અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. હાલ શિપિંગ ઉદ્યોગ અને વૈશ્વિક બજારો સત્તાવાર પુષ્ટિની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ iPhone Scam: ચોરાયેલો iPhone પાછો મેળવી આપવાના નામે નવુ સાયબર કૌભાંડ, જોજો આ ભૂલ ન કરતા હો...