ભારતીય નૌકાદળની લાંબા અંતરની હુમલાની ક્ષમતા વધારવા માટે સંરક્ષણ મંત્રાલયે જહાજ પરથી લોન્ચ થઈ શકે તેવી લોઈટરિંગ મ્યુનિશન સિસ્ટમ માટે રિક્વેસ્ટ ફોર ઈન્ફોર્મેશન (RFI) જાહેર કરી છે. આ સિસ્ટમ ડ્રોન અને મિસાઈલની સંયુક્ત ક્ષમતા ધરાવતી હશે અને તેને 'કામિકાઝે ડ્રોન' જેવી સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે.
લક્ષ્ય વિસ્તારની આસપાસ નજર રાખવાની ક્ષમતા
મળતી માહિતી અનુસાર, પ્રસ્તાવિત સિસ્ટમની લઘુત્તમ રેન્જ 1,000 કિલોમીટર હોવી જોઈએ. તે દરિયાઈ જહાજો ઉપરાંત જમીન પરના લક્ષ્યો સામે પણ કાર્યવાહી કરી શકે તેવી ક્ષમતા ધરાવશે. સિસ્ટમમાં લાંબા સમય સુધી લક્ષ્ય વિસ્તારની આસપાસ નજર રાખવાની ક્ષમતા પણ માગવામાં આવી છે. RFIમાં સિસ્ટમ માટે અનેક તકનીકી માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં ક્રૂઝિંગ સ્પીડ 75 નોટથી વધુ અને અંતિમ હુમલા સમયે ઝડપ 200 નોટથી વધુ હોવાની જરૂરિયાત સામેલ છે. ઉપરાંત, ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઈન્ફ્રારેડ (EO/IR) સીકરથી દિવસ અને રાત્રે લક્ષ્ય શોધવાની તથા ચોકસાઈથી કાર્યવાહી કરવાની ક્ષમતા હોવી જરૂરી રહેશે.
