તાજેતરમાં દેશના વિવિધ ભાગોમાં ટ્રેનોમાં આગ લાગવાની ઉપરાઉપરી બનેલી ઘટનાઓએ રેલવે પ્રશાસનની ઊંઘ હરામ કરી દીધી છે. જોકે, ભારતીય રેલવે દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. રેલવેના રિપોર્ટ મુજબ, ટ્રેનોમાં લાગેલી આ આગ કોઈ આકસ્મિક દુર્ઘટના નથી, પરંતુ આમાંના મોટાભાગના કિસ્સાઓમાં અસામાજિક તત્વોનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર ખુલાસા બાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ આવી ઘટનાઓ રોકવા અને ગુનેગારોને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે.

બાથરૂમમાંથી મળ્યું પેટ્રોલ, ક્યાંક લિનન સળગાવવાનો પ્રયાસ

રેલવેની તપાસમાં જુદા જુદા સ્ટેશનો પર બનેલી ઘટનાઓની કડીઓ જોડવામાં આવી છે, જે કોઈ મોટા કાવતરા તરફ ઈશારો કરે છે. રાજસ્થાનના અમરપુરા સ્ટેશન નજીક એક ટ્રેનમાં લાગેલી આગની તપાસ કરતા માલૂમ પડ્યું કે, કોઈ અજ્ઞાત વ્યક્તિએ ટ્રેનની અંદર રાખવામાં આવેલા લિનન (બેડશીટ અને ગાદલાની સામગ્રી) ને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે આગ ફેલાઈ ગઈ હતી.

હાવડામાં પણ ટ્રેનને સળગાવવાનો પ્રયાસ

આવી જ એક બીજી ભયાનક ઘટના હાવડામાં સામે આવી હતી, જ્યાં આગ લાગેલી ટ્રેનના બાથરૂમમાંથી પેટ્રોલથી ભીંજાયેલું કપડું મળી આવ્યું છે, જે સ્પષ્ટ કરે છે કે ટ્રેનને જાણીજોઈને સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. આ સિવાય કોટામાં રાજધાની એક્સપ્રેસમાં પણ આગની પ્રથમ જ્વાળાઓ બાથરૂમમાંથી જ ઉઠી હતી. જ્યારે સાસારામમાં જે ટ્રેનમાં આગ લાગી તે સંપૂર્ણપણે ખાલી ટ્રેન અને ખાલી કોચ હતા. ત્યાં કોઈ પાવર જનરેટર પણ ચાલુ નહોતું, જેથી શોર્ટ સર્કિટની શક્યતા નહિવત છે. આ કિસ્સામાં સૌથી વધુ આશંકા એ છે કે કોઈએ બહારથી અંદર સળગતી વસ્તુ ફેંકી હતી.

રેલવે કર્મચારીઓની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના

ભારતીય રેલવેએ આ તમામ ઘટનાઓને અત્યંત ગંભીરતાથી લીધી છે. રેલવે કર્મચારીઓની સમયસૂચકતા અને તત્પરતાના કારણે અમરપુરા અને હાવડાની ઘટનાઓમાં મોટી જાનહાનિ ટળી ગઈ હતી અને આગ પર સમયસર કાબૂ મેળવી લેવાયો હતો. રેલવે પ્રશાસને હવે તમામ મુસાફરોને પણ સતર્ક રહેવા અપીલ કરી છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે જો ટ્રેનની અંદર કે સ્ટેશન પર કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા વ્યક્તિ નજરે પડે, તો વિલંબ કર્યા વિના તરત જ રેલવેના હેલ્પલાઈન નંબર 139 પર કૉલ કરીને જાણ કરે.

આ પણ વાંચો:RICS Summit:7 વર્ષના લાંબા ગાળા બાદ ભારત આવશે જીનપિંગ! BRICS સમિટમાં પીએમ મોદી અને પુતિન સાથે કરશે મુલાકાત