વૈશ્વિક રાજકારણના મંચ પરથી ભારતમાં આ વર્ષે એક મહાકૂટનીતિક હલચલ જોવા મળવાની છે. આગામી 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સામેલ થાય તેવી પ્રબળ શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશોએ આ અંગે નવી દિલ્હીને સત્તાવાર જાણ કરી દીધી છે. રશિયાની સરકારી સમાચાર એજન્સી TASS એ પણ પુતિનના ભારત પ્રવાસની પુષ્ટિ કરી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ આશરે 7 વર્ષના લાંબા સમયગાળા બાદ ભારત આવી રહ્યા હોવાથી આ પ્રવાસ અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

પીએમ મોદી, પુતિન અને જીનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

ક્રેમલિનના આંતરરાષ્ટ્રીય બાબતોના સલાહકાર યુરી ઉશાકોવે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિન સપ્ટેમ્બરમાં દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન પુતિન અને ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચે એક ખાસ દ્વિપક્ષીય બેઠક પણ નક્કી કરવામાં આવી છે. નોંધનીય છે કે પુતિનનો એક વર્ષની અંદર આ બીજો ભારત પ્રવાસ હશે. આ પહેલા તેઓ ડિસેમ્બર 2025 માં 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે ભારત આવ્યા હતા.

7 વર્ષ પછી જીનપિંગનો ભારત પ્રવાસ

ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ છેલ્લે વર્ષ 2019 માં ભારત આવ્યા હતા, જ્યારે તેમણે ચેન્નાઈના મામલ્લાપુરમની મુલાકાત લીધી હતી. ત્યારપછી સરહદ વિવાદ અને બદલાયેલા વૈશ્વિક સમીકરણો વચ્ચે તેઓ ભારત આવ્યા નથી. હવે ભારત વર્ષ 2026 માં બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું હોવાથી જીનપિંગનું ભારત આગમન કૂટનીતિક દ્રષ્ટિએ ઘણું મોટું માનવામાં આવે છે. આ સમિટ પહેલા ઓગસ્ટના અંતમાં કિર્ગિસ્તાનના બિશ્કેકમાં SCO ની બેઠક પણ યોજાશે, જ્યાં પીએમ મોદી અને પુતિન આમને-સામને મળી શકે છે.

11 દેશોનું શક્તિશાળી સંગઠન છે 'બ્રિક્સ'

ભારત સહિત બ્રિક્સ હવે દુનિયાના 11 ઝડપથી આગળ વધતા દેશોનું એક મોટું સંગઠન બની ગયું છે. અગાઉ આ જૂથમાં માત્ર 5 દેશો (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) હતા. પરંતુ વર્ષ 2024 માં ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન અને યુએઇ (UAE) જોડાયા હતા અને વર્ષ 2025 માં ઇન્ડોનેશિયા પણ આ સમૂહનો હિસ્સો બન્યું છે. આ 11 દેશો મળીને વિશ્વની આશરે 49.5 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે, તેમજ વૈશ્વિક જીડીપીમાં તેમનો હિસ્સો 40 ટકા જેટલો મોટો છે.

આ પણ વાંચો:WHO:આફ્રિકામાં ઇબોલા વાયરસનો કાળોકેર! WHO એ જાહેર કરી હેલ્થ ઇમરજન્સી