ભારતીય રેલવેના મુસાફરો માટે ટિકિટ બુકિંગની વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવેની જૂની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમને આધુનિક બનાવવા માટે નેક્સ્ટ જનરેશન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં 2,200થી વધુ ટ્રેનોનો ડેટા ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાથી ટિકિટ બુકિંગની ઝડપ વધશે અને સર્વર પરનો ભાર ઘટશે. ખાસ કરીને તત્કાલ ટિકિટ બુક કરાવતા મુસાફરોને રાહત મળવાની આશા છે.

ટિકિટ બુકિંગ 5 ગણું ઝડપી બનશે

રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી આરક્ષણ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમથી આઈઆરસીટીસીની વેબસાઇટ અને રેલવે બુકિંગ કાઉન્ટર પર ટિકિટ બુકિંગની પ્રક્રિયા પાંચ ગણી ઝડપી બનવાનો દાવો કરવામાં આવ્યો છે.

પ્રતિ મિનિટ 1.5 લાખથી વધુ ટિકિટ બુક થશે

જૂની સિસ્ટમ એક મિનિટમાં અંદાજે 32 હજાર ટિકિટ બુક કરી શકતી હતી, જ્યારે નવી સિસ્ટમની ક્ષમતા પ્રતિ મિનિટ 1.5 લાખથી વધુ ટિકિટ બુક કરવાની છે.

જૂની સિસ્ટમમાં સર્વર ધીમા પડવાની સમસ્યા

ભારતીય રેલવેની જૂની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ વર્ષ 2010થી જૂના સર્વર અને ઓપન વીએમએસ પ્લેટફોર્મ પર કાર્યરત હતી. ટિકિટની વધતી માગ અને તહેવારો દરમિયાન વેબસાઇટ પર વધતા ભારને કારણે ઘણી વખત સિસ્ટમ ધીમી પડી જતી હતી. ખાસ કરીને તત્કાલ ટિકિટ બુકિંગ વખતે મુસાફરોને પેમેન્ટ નિષ્ફળ જવું, સર્વર ક્રેશ થવું અને લાંબી રાહ જોવી જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

દર મિનિટે 40 લાખથી વધુ પૂછપરછની ક્ષમતા

નવી ક્લાઉડ આધારિત સિસ્ટમ દર મિનિટે 40 લાખથી વધુ લાઇવ પૂછપરછની પ્રક્રિયા કરી શકે છે. જ્યારે જૂની સિસ્ટમની ક્ષમતા માત્ર 4 લાખ પૂછપરછ પ્રતિ મિનિટની હતી. એટલે નવી સિસ્ટમ જૂની સરખામણીએ લગભગ 10 ગણી વધુ પૂછપરછ સંભાળી શકશે. નવી વ્યવસ્થા માઇક્રો સર્વિસ આધારિત ક્લાઉડ પ્લેટફોર્મ પર કાર્ય કરશે. મુસાફરોની સંખ્યા અને બુકિંગનો ભાર વધે ત્યારે તેની ક્ષમતા પણ વધારી શકાશે.

મનપસંદ બેઠક અને સસ્તા ભાડાની માહિતી મળશે

નવી આરક્ષણ વ્યવસ્થાથી મુસાફરોને મનપસંદ બેઠક પસંદ કરવામાં સરળતા રહેવાની આશા છે. આઈઆરસીટીસીની નવી વેબસાઇટ પર ઓછા ભાડાવાળા દિવસોની યાદી પણ દર્શાવવામાં આવશે, જેથી મુસાફરો સસ્તા ભાડે મુસાફરીનું આયોજન કરી શકે.

આધાર અને ઓટીપી ચકાસણી પણ મજબૂત

નવી સિસ્ટમમાં આધાર અને ઓટીપી આધારિત ચકાસણીને વધુ મજબૂત બનાવવામાં આવી છે. તેના કારણે ટિકિટ દલાલો અને સ્વચાલિત રીતે ટિકિટ બુક કરાવતાં બોટ્સને રોકવામાં મદદ મળશે.

ઓનલાઇન ટિકિટ બુકિંગની શરૂઆત 2002માં થઈ 

ભારતમાં કમ્પ્યુટર આધારિત રેલવે આરક્ષણની શરૂઆત 1986માં થઈ હતી, જ્યારે ઓનલાઇન ટિકિટ બુકિંગની શરૂઆત 2002માં થઈ હતી. હાલમાં દેશની લગભગ 90 ટકા ટિકિટ ઓનલાઇન બુકિંગ મારફતે થાય છે. નવી વ્યવસ્થાથી આ ઓનલાઇન બુકિંગ પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનવાની અપેક્ષા છે.  


આ પણ વાંચો :     Explainer : ડાકોર મંદિરમાં VIP કલ્ચર સામે વિરોધ, ટ્રસ્ટી ગિરીશ દાણીનો ઘેરાવ, જાણો, મંદિરોમાં VIP દર્શનનું અલગ જ ગણિત