મધ્યપ્રદેશના કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા પચમઢી હિલ સ્ટેશને વૈશ્વિક મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે. જર્મનીના બર્લિનમાં યોજાયેલા પ્રતિષ્ઠિત 'ITB બર્લિન ટ્રાવેલ માર્ટ'માં પચમઢીને 'ગ્રીન ડેસ્ટિનેશન બ્રોન્ઝ સર્ટિફિકેટ' એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન મેળવનાર પચમઢી ભારતનું પ્રથમ હિલ સ્ટેશન બની ગયું છે, જે પર્યાવરણ અને પર્યટન વચ્ચેના સંતુલનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.

ગ્રીન ડેસ્ટિનેશન ફાઉન્ડેશન દ્વારા અપાયું પ્રમાણપત્ર

નેધરલેન્ડ્સ સ્થિત 'ગ્રીન ડેસ્ટિનેશન ફાઉન્ડેશન' દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવે છે, જે ગ્લોબલ સસ્ટેનેબલ ટુરિઝમ કાઉન્સિલ (GSTC) દ્વારા માન્યતા પ્રાપ્ત છે. ઉજ્જૈન કમિશનર આશિષ સિંહે મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. રાજ્યના પર્યટન મંત્રી ધર્મેન્દ્ર ભાવ સિંહ લોધીએ આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ડો. મોહન યાદવના નેતૃત્વમાં રાજ્યનું પર્યટન હવે વૈશ્વિક સ્તરે ટકાઉ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.

https://twitter.com/MPIntltourism/status/2029450684815556659

કેવી રીતે મળી આ સિદ્ધિ?

પચમઢીને આ એવોર્ડ એમ જ નથી મળ્યો, પરંતુ એક અત્યંત કડક અને વિસ્તૃત મૂલ્યાંકન પ્રક્રિયામાંથી પસાર થયા બાદ મળ્યો છે. આ એવોર્ડ માટે મુખ્ય ત્રણ સ્તંભો પર ધ્યાન આપવામાં આવ્યું હતું:

આર્થિક ટકાઉપણું: પ્રવાસન દ્વારા સ્થાનિક અર્થતંત્રને મળતો વેગ.

પર્યાવરણીય ટકાઉપણું: પ્રકૃતિ, લેન્ડસ્કેપ અને આબોહવાનું સંરક્ષણ.

સામાજિક-સાંસ્કૃતિક ટકાઉપણું: સ્થાનિક પરંપરાઓ અને સામાજિક કલ્યાણની જાળવણી.

અનેક પાસાઓનું રાખવામાં આવ્યું હતુ ધ્યાન

નિષ્ણાતોએ કુલ 6 મુખ્ય શ્રેણીઓ અને 75 જેટલા અલગ-અલગ પરિમાણો પર પચમઢીનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં વેસ્ટ મેનેજમેન્ટ (કચરા નિકાલ), ઉર્જા કાર્યક્ષમતા અને વારસાના સંરક્ષણ જેવા પાસાઓ મુખ્ય હતા. પચમઢીએ 10 માંથી 6.5 પોઈન્ટ મેળવીને આંતરરાષ્ટ્રીય માપદંડો પૂર્ણ કર્યા છે.

પ્રવાસન પર અસર

પચમઢી હવે દેશના અન્ય હિલ સ્ટેશનો માટે એક 'રોલ મોડેલ' બનશે. આ આંતરરાષ્ટ્રીય ટેગ મળવાથી હવે યુરોપ અને અન્ય દેશોના વિદેશી પ્રવાસીઓ પચમઢી તરફ વધુ આકર્ષિત થશે, જે રાજ્યના પ્રવાસન ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ હાથ પકડેલા પાદરી અને આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠેલા Trump , ઓવલ ઓફિસનો આ Video આવ્યો સામે