ઈન્ડિગો કંપનીનું ઈમ્ફાલ જઈ રહેલું એક વિમાન ગુરુવાર સવારે એક કલાક સુધી હવામાં રહ્યા બાદ ટેકનિકલ ખામીને કારણે ફરી દિલ્હી પરત ફર્યું હતું. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 17 જુલાઈ 2025ના રોજ દિલ્હીથી ઈમ્ફાલ જઈ રહેલી ફ્લાઈટ 6E- 5118 ના ટેક ઓફ થયા બાદ તરત જ ટેકનિકલ ખામીની જાણ થઈ હતી. પાયલોટે મહત્વનું પગલુ ભરીને વિમાનને પરત ફરવાનો નિર્ણય લીધો હતો અને દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરી દીધુ હતું. 


ઇન્ડિગોએ જણાવ્યું હતું કે પ્રક્રિયા પ્રમાણે વિમાનની જરૂરી ચકાસણી કરવામાં આવી હતી અને થોડીવાર પછી તેણે ફરીથી ઉડાન ભરી હતી. કંપનીએ મુસાફરોની અસુવિધા બદલ માફી માંગી હતી. મળતી માહિતી અનુસાર, A-321 વિમાન દિલ્હી પરત ફરતા પહેલા લગભગ એક કલાક સુધી હવામાં રહ્યું. એરલાઇન્સે હજી સુધી ખુલાસો કર્યો નથી કે વિમાનમાં કયા પ્રકારની ટેકનિકલ ખામી સર્જાઈ હતી. 1 કલાક સુધી હવામાં રહ્યા બાદ વિમાન અચાનક દિલ્હી તરફ વળતા મુસાફરો ખૂબ જ ચિંતિત હતા.

ઇન્ડિગો ફ્લાઇટનું એન્જિન ફેલ થઈ ગયું

મળતી માહિતી પ્રમાણે આ ઘટનાના એક દિવસ પહેલા, બુધવારે દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E 6271 નું એક એન્જિન ફેલ થઈ જતાં સંપૂર્ણ કટોકટીની સ્થિતિમાં મુંબઈમાં લેન્ડિંગ કરવું પડ્યું હતું. પાયલોટે હોશિયારી બતાવી અને એલાર્મ વગાડ્યો જેના પછી ફ્લાઇટને સુરક્ષિત રીતે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી. ઇન્ડિગોના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે 16 જુલાઈ 2025ના રોજ દિલ્હીથી ગોવાના મનોહર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાન ભરતી વખતે ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. ખામી જણાયા બાદ યોગ્ય કાર્યવાહી બાદ, વિમાનને ડાયવર્ટ કરીને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.


  • Follow us on: