ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ફસાયેલા ભારતીયોને ભારત સરકાર પરત લાવી રહી છે. જે માટે ભારત સરકારે ઓપરેશન સિંધુ શરૂ કર્યુ છે. જે અંતર્ગત ઈરાનના પશ્ચિમ અઝરબૈજાન પ્રાંતમાં સ્થિત ઉર્મિયા મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લગભગ 110 ભારતીય વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરીને સુરક્ષિત રીતે નવી દિલ્હી લાવવામાં આવ્યા હતા. જેમાં 90 વિદ્યાર્થીઓ કાશ્મીરના છે.


કાશ્મીરના વિદ્યાર્થીઓ થયા નિરાશ 

આ તમામ વિદ્યાર્થીઓને જમ્મુ અને કાશ્મીર સરકારે તેમને નવી દિલ્હીથી શ્રીનગર રોડ માર્ગે લઈ જવાની વ્યવસ્થા કરી હતી. જોકે જે બસ (HR55AF 1751) દ્વારા વિદ્યાર્થીઓને શ્રીનગર લઈ જવામાં આવી રહી હતી તે જમ્મુ અને કાશ્મીર સરકાર માટે શરમજનક બની ગઈ. આ અંગે વિદ્યાર્થીઓએ સૌથી પહેલા તો ભારત સરકારનો આભાર માન્યો હતો. ત્યારબાદ તેમણે કાશ્મીરની બસ સુવિધાને લઇને નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વિદેશમાં દિવસો સુધી તણાવ સહન કર્યા પછી તેઓ વધુ સારી સુવિધાઓની અપેક્ષા રાખે છે.


5 વાર બગડી બસ 

વિદ્યાર્થીઓની આવી પ્રતિક્રિયા પર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના કાર્યાલયે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની ચિંતાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે અને નવી દિલ્હીથી શ્રીનગર સુધીની તેમની મુસાફરી માટે ડિલક્સ બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કે જમ્મુ અને કાશ્મીર રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ગોઠવાયેલી બસ પણ રસ્તામાં પાંચ વખત બગડી ગઈ હતી.

મહત્વનું છે કે ઇરાનમાં સસ્તુ શિક્ષણ અને સાંસ્કૃતિક રૂપથી નજીક હોવાથી કાશ્મીરી વિદ્યાર્થીઓ માટે ઇરાન પ્રથમ પસંદ છે. હાલમાં 4000થી વધારે ભારતીયો ઇરાનમાં ભણે છે. જેમાં અડધાથી ઉપર તો કાશ્મીરના છે. આ વિદ્યાર્થીઓ તેહરાન, શિરાજ અને કોમ જેવા વિસ્તારોમાં મેડિકલ અને અન્ય પ્રોફેશનલ કોર્સ અંગે ભણી રહ્યા છે.  


  • Follow us on: