ભારતીય રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ વેબસાઈટ IRCTCનો ઉપયોગ કરતા મુસાફરો માટે એક રાહતના સમાચાર છે. રાજસ્થાનના જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે એક વિદ્યાર્થીની ફરિયાદ પર ત્વરિત પગલાં લેતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ૧૫ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં IRCTCનું નવું અને વધુ આધુનિક પોર્ટલ શરૂ કરવામાં આવશે.


15 જુલાઇએ થઇ શકે છે નવી વેબસાઇટ લોન્ચ

ગુરુવારે જયપુરમાં વિદ્યાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થીએ મંત્રી સમક્ષ સીધી ફરિયાદ કરી હતી કે ટિકિટ બુકિંગ દરમિયાન IRCTC વેબસાઈટ વારંવાર હેંગ થઈ જાય છે. વિદ્યાર્થીએ ખાસ કરીને કેપ્ચા કોડ ભરવાની પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને મુસાફરોને થતી અસુવિધા તરફ ધ્યાન દોર્યું હતું. વિદ્યાર્થીની વાત સાંભળીને રેલવે મંત્રીએ તાત્કાલિક અસરથી રેલવેના સંબંધિત અધિકારીઓને ફોન લગાવી આ મુદ્દે ચર્ચા કરી હતી. મંત્રીએ અધિકારીઓને પૂછ્યું કે શું 30 દિવસમાં નવી વેબસાઈટ તૈયાર થઈ શકે છે, જેના પગલે 15 જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી હતી.

IRCTC વેબસાઈટ વધુ ઝડપી અને યુઝર ફ્રેન્ડલી હશે

રેલવે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે નવી IRCTC વેબસાઈટ વર્તમાન પોર્ટલ કરતા વધુ ઝડપી અને યુઝર-ફ્રેન્ડલી હશે. આ નવી સિસ્ટમથી ટિકિટ બુકિંગની પ્રક્રિયા અત્યંત સરળ બનશે અને મુસાફરોને સર્વર હેંગ થવા જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. આ નવી ટેકનોલોજીનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોના કિંમતી સમયની બચત કરવાનો અને ઓનલાઈન ટિકિટિંગને વધુ અનુકૂળ બનાવવાનો છે.

ટ્રેનોમાં મહિલાઓ માટે 'બેબી ફીડિંગ રૂમ' પણ કરાશે તૈયાર?

આ ઉપરાંત, આ સંવાદ દરમિયાન અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દો પણ સામે આવ્યો હતો. એક વિદ્યાર્થીએ ટ્રેનોમાં મહિલાઓ માટે 'બેબી ફીડિંગ રૂમ' બનાવવાનું સૂચન કર્યું હતું. રેલવે મંત્રીએ આ સૂચનને ખૂબ જ હકારાત્મક રીતે સ્વીકાર્યું અને અધિકારીઓને તેના અમલીકરણ માટે સૂચના આપી હતી. આ નિર્ણયના અમલ બાદ આગામી સમયમાં ટ્રેનોના કોચમાં બેબી ફીડિંગ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ, એક સામાન્ય વિદ્યાર્થીની ફરિયાદને વહીવટીતંત્રએ કેટલી ગંભીરતાથી લીધી અને કેવી રીતે ત્વરિત ઉકેલ લાવ્યા, તે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે. રેલવે મંત્રીના આ નિર્ણયો રેલ મુસાફરીને વધુ સુગમ અને સંવેદનશીલ બનાવવાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.

આ પણ વાંચોઃ આ દેશમાં ઘરમાં જો ચંપલ કે શૂઝ પહેર્યા તો લાગશે મસમોટો દંડ, કારણ જાણીને ચોંકી જશો!

  • Follow us on: