તહેવારોની મોસમમાં ભારતીય રેલવે દ્વારા મુસાફરોને સુવિધા પૂરી પાડવા અને ઓનલાઇન ટિકિટ બુકિંગ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે. આગામી દિવાળી અને છઠ પૂજાના પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને દેશભરમાંથી ટ્રેન ટિકિટોની માંગ અણધારી રીતે વધી ગઈ હતી, જેના પરિણામે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) એ એક જ દિવસમાં રેકોર્ડ સંખ્યામાં ટિકિટો બુક કરીને એક મોટો સીમાચિહ્ન સર કર્યો છે. તહેવારો દરમિયાન મુસાફરોની આ વિરાટ ભીડ અને ભારે માંગને પહોંચી વલવા માટે રેલવે પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

૩૦ લાખથી વધુ ટિકિટો બુક કરીને રચ્યો નવો રેકોર્ડ

સત્તાવાર આંકડાઓ અનુસાર, IRCTC દ્વારા 7 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં વિક્રમજનક ૨૦,૦૬,૩૫૩ રેલવે ટિકિટોનું સફળ બુકિંગ કરવામાં આવ્યું હતું, જે ભારતીય રેલવેના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું સિંગલ-ડે બુકિંગ સાબિત થયું છે. આ સિલસિલો અહીં જ અટક્યો નહીં, પરંતુ તેના બીજા જ દિવસે એટલે કે ૮ સપ્ટેમ્બરે પણ ૧૯,૫૦,૬૯૯ ટિકિટો બુક કરવામાં આવી હતી. આ પ્રકારે માત્ર બે જ દિવસમાં આશરે ૩૦ લાખથી વધુ ટિકિટોનું ઓનલાઇન બુકિંગ નોંધાયું છે, જે ગત વર્ષના મહત્તમ દૈનિક રેકોર્ડ કરતાં નોંધપાત્ર રીતે ઘણું વધારે છે. હાલના સમયમાં કુલ અનામત ટિકિટોમાંથી આશરે ૮૯ ટકા જેટલો હિસ્સો ઓનલાઈન માધ્યમથી જ બુક થઈ રહ્યો છે.

IRCTC પોર્ટલ પર ભારે ધસારો

મુસાફરોના ઓનલાઇન અનુભવને વધુ સારો અને ઝડપી બનાવવા માટે રેલવે દ્વારા અદ્યતન સર્વર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેના કારણે પોર્ટલની ક્ષમતા બમણી થઈ ગઈ છે. આ ઉપરાંત, IRCTC દ્વારા ૧૫ જુલાઈથી એક નવું યુઝર ઇન્ટરફેસ પણ રજૂ કરવામાં આવ્યું છે, જેનાથી વિવિધ વર્ગોની સીટ ઉપલબ્ધતા એક જ સ્ક્રીન પર સરળતાથી જોઈ શકાય છે. ટિકિટોની કાળાબજારી રોકવા માટે અત્યાધુનિક એન્ટી-બોટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જેનાથી શંકાસ્પદ બોટ ટ્રાફિકમાં ૫૫ થી ૬૫ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. અધિકૃત ટિકિટ એજન્ટો પર પણ શરૂઆતની ૧૦ મિનિટ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

છેતરપિંડી અને ઓનલાઇન ફ્રોડ અટકાવવા લેવાયા પગલાં

છેતરપિંડી અને ઓનલાઇન ફ્રોડ અટકાવવા માટે રેલવે દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે, જેમાં ૩૦.૪ મિલિયન શંકાસ્પદ યુઝર આઈડી બ્લોક કરવામાં આવ્યા છે અને ૬૩.૩ મિલિયન આઈડી હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. ટિકિટ બુકિંગ વખતે આધાર-વેરિફાઇડ યુઝરની હાજરી અનિવાર્ય કરાઈ છે. આટલી વિરાટ સંખ્યામાં ટિકિટોનું બુકિંગ થવા છતાં પણ NGeT ઓનલાઇન સિસ્ટમમાં કોઈ મોટી તકનીકી ખામી સર્જાઈ નથી, જે રેલવેની મજબૂત ડિજિટલ સજ્જતા દર્શાવે છે.

આ પણ વાંચોઃ BRICS Summit 2026: 3 દિવસના લેખા જોખા,આગામી 72 કલાક દિલ્હીમાં શું શું કાર્યક્રમ, જાણો લિસ્ટ