ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના પ્રમુખ વૈજ્ઞાનિક ડૉક્ટર એકનાથ વસંત ચિટનિસનું બુધવારે તેમના નિવાસસ્થાન પર નિધન થયું છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તે છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા. ડૉક્ટર ચિટનિસે મંગળવારે જ પોતાના 100મા જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમના નિધનથી ભારતીય વૈજ્ઞાનિક સમુદાયને એક મોટી ખોટ હંમેશા વર્તાશે.
ડૉક્ટર ચિટનિસ ભારતના અંતરિક્ષ ક્ષેત્રના શરૂઆતના દિવસોના નાયક હતા. તેમને ભારતીય રાષ્ટ્રીય અવકાશ સંશોધન સમિતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, આ સમિતિ બાદમાં ISRO બની. ઈસરો આજે દુનિયાના એક મોટા અંતરિક્ષ સંગઠનમાં છે, જે ચંદ્રયાન અને મંગળયાન જેવા મિશનો માટે જાણીતું છે. ડૉક્ટર ચિટનિસે ઈસરોના જન્મમાં યોગદાન આપ્યું હતું.
થુમ્બા લોન્ચપેડની પસંદગી
તેમને કેરળના થુમ્બામાં ભારતના પ્રથમ રોકેટ લોન્ચ સ્થળને પસંદ કરવામાં પણ પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. થુમ્બા આજે પણ ભારતના અંતરિક્ષ કાર્યક્રમનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. 1960ના દાયકામાં જ્યારે ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો હતો, ત્યારે ડૉક્ટર ચિટનિસે ત્યાંની જમીનની પસંદગી કરી હતી, જ્યાંથી ભારતનું પ્રથમ રોકેટ લોન્ચ કરાયું હતું. આ સ્થળ દરિયાકિનારે છે, જે રોકેટ લોન્ચ માટે ખુબ જ સુરક્ષિત હતું.
ઈસરોમાં નેતૃત્વની ભૂમિકા
1981થી 1985 સુધી ડૉક્ટર ચિટનિસ ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના બીજા નિર્દેશક રહ્યા. તે કેન્દ્ર અમદાદવામાં છે. અહીં તે ઉપગ્રહો અને અવકાશ ટેકનોલોજી પર કામ કરતા હતા. તેમના નેતૃત્વમાં ઘણી મહત્વપૂર્ણ પરિયોજનાઓ શરૂ થઈ, જે આજે પણ ભારતના વિકાસમાં મદદ કરી રહી છે. ડૉક્ટર ચિટનિસ ડૉક્ટર વિક્રમ સારાભાઈના સાથી હતા. ડૉક્ટર વિક્રમ સારાભાઈને ભારતના અંતરિક્ષ કાર્યક્રમના પિતા કહેવામાં આવે છે. તેમને 1960ના દાયકામાં ઈસરોનો પાયો નાખ્યો, ડૉક્ટર ચિટનિસે તેમની સાથે મળીને ભારતના અંતરિક્ષ ક્ષેત્રને મજબૂત બનાવ્યું. ડૉક્ટર સારાભાઈના નિધન બાદ પણ ડૉક્ટર ચિટનિસે તેમના સપનાને આગળ વધાર્યા.
ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના હતા ગુરુ
બીજી એક મહત્વની વાત એ છે કે ડૉક્ટર ચિટનિસે યુવા વૈજ્ઞાનિક ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને માર્ગદર્શન આપ્યું, ડૉક્ટર કલામ બાદમાં ભારતના રાષ્ટ્રપતિ બન્યા અને તેમને મિસાઈલ મેન કહેવામાં આવતા હતા. ડૉક્ટર ચિટનિસે કલામને શરૂઆતના દિવસોમાં સલાહ આપી અને તેમને પ્રેરિત કર્યા હતા. ડૉક્ટર ચિટનિસને દેશના ત્રીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમને તેમના વૈજ્ઞાનિક કાર્યો માટે મળ્યું. તે હંમેશા સાદગીથી જીવન જીવતા હતા, યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરતા રહેતા હતા.