ભારતે સેમીકંડકટર ટેક્નોલોજીમાં મોટી સિદ્ધિ હાંસલ કરી. ભારતમાં બનેલી પહેલી સેમીકંડકટર ચિપ આજના દિવસે લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશમાં બનેલી પહેલી ચિપ ભેટ આપી. આ પ્રસંગે તેમણે વિક્રમ 32-બિટ પ્રોસેસર (Vikram 32-bit chip) અને ચાર અન્ય મંજૂર પ્રોજેક્ટ્સના ટેસ્ટ ચિપ્સ પણ રજૂ કર્યા. આ ચિપને ISROની સેમીકંડકટર લેબમાં બનાવવામાં આવી છે.
સાડા ત્રણ વર્ષમાં જ ભારતે વિશ્વનું ધ્યાન ખેંચ્યુ
2 સપ્ટેમ્બર પીએમ મોદીએ દિલ્હી ખાતે Semicon India 2025 નું ઉદઘાટન કર્યું. આ અવસરે IT મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે, થોડા વર્ષો પહેલા વડાપ્રધાનની દૂરંદર્શી દ્રષ્ટિથી ‘ઈન્ડિયા સેમીકંડકટર મિશન’ની શરૂઆત થઈ હતી. માત્ર ત્રણ સાડા ત્રણ વર્ષમાં જ ભારતે વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.
ડિઝિટલ ડાયમંડ છે ચિપ-પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે જેમ ઓઇલને બ્લેક ગોલ્ડ કહેવામાં આવે છે, તેમ સેમીકંડકટર ચિપ ડિજિટલ ડાયમંડ એટલે કે હીરો છે. 21મી સદીની પ્રગતિનો આધાર આ ચિપ્સ પર જ છે. એક નાનકડી ચિપ ભવિષ્યમાં મોટી નવીનતા અને વિકાસ લાવશે. ભારત આ ક્રાંતિમાં મોટી ભૂમિકા ભજવશે. આજના દિવસમાં ભારતમાં પાંચ સેમીકંડકટર યુનિટ્સ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. મંત્રી વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીને આજની પહેલી મેડ-ઈન-ઈન્ડિયા ચિપ ભેટ આપવી આ સફરની મોટી સિદ્ધિ છે અને આવનારા સમયમાં ભારત આ ક્ષેત્રમાં વધુ મજબૂત બનશે.
Semicon India 2025
આજથી Semicon India 2025 સંમેલન શરૂ થયું છે, જે 4 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ સંમેલનમાં 48થી વધુ દેશોમાંથી લગભગ 2,500 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. અહીં સેમીકંડકટર ફેબ્રિકેશન, એડવાન્સ પેકેજિંગ પ્રોજેક્ટ્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સંશોધન, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને રોકાણના નવા અવસરો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.