ગુનાની દુનિયામાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને પોલીસ વહીવટીતંત્ર પણ દંગ રહી ગયું છે. મધ્યપ્રદેશની જબલપુર પોલીસે એક એવા હાઈ-પ્રોફાઈલ ગુનેગારની ધરપકડ કરી છે, જે યુવાનોને ચોરી કરવા માટેના ખાસ "કોચિંગ ક્લાસ" ચલાવતો હતો. ભોપાલથી પકડાયેલા આ માસ્ટરમાઇન્ડનું નામ પ્રેમનાથ ઉર્ફે પપ્પુ છે, જે પોતાની પત્ની સાથે મળીને ખાસ કરીને Gen-Z યુવાનોને ગુનાખોરીના દલદલમાં ધકેલી રહ્યો હતો અને તેમને અદભુત યુક્તિઓથી ચોરી કરવાનું શીખવતો હતો.

પ્રોફેશનલ ચોર બનવાની તાલીમ અપાતી

મુખ્ય આરોપી પ્રેમનાથ વિરુદ્ધ મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં અગાઉથી જ 70 થી વધુ ચોરી અને ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. આ ધૂર્ત ગુનેગારે બેરોજગાર કે શોખીન યુવાનોને પોતાની ગેંગમાં સામેલ કરીને તેમને પ્રોફેશનલ ચોર બનવાની તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. આ ક્રાઈમ સ્કૂલમાં યુવાનોને રેકી કેવી રીતે કરવી, ઘરનું તાળું કે સેફ લોક કેવી રીતે તોડવું, ચોરી વખતે કયા સાધનો વાપરવા અને સૌથી મહત્ત્વનું એટલે કે પોલીસની પકડથી કેવી રીતે બચવું તે તમામ બાબતોનું પ્રશિક્ષણ અપાતું હતું.

સમગ્ર ભાંડો મોટી ચોરી થયા બાદ ફૂટ્યો

આ સમગ્ર ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે જબલપુરની અર્ણવ વિહાર કોલોનીમાં એક હેડ કોન્સ્ટેબલના ઘરે મોટી ચોરી થઈ હતી. સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીઓ સ્પાઇડર-મેન ટી-શર્ટ અને બેગ પહેરીને ચોરી કરવા આવ્યા હોવાનું જણાયું હતું. જેના આધારે પોલીસે પહેલા સૂરજ, વિજય અને લખનલાલ નામના ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. કડક પૂછપરછ દરમિયાન આ યુવાનોએ ઘટસ્ફોટ કર્યો કે તેમની પાછળ "પપ્પુ" નામનો માસ્ટરમાઇન્ડ છે, જે આખી યોજના ઘડતો અને ચોરાયેલો માલગેાઠો ઠેકાણે પાડતો હતો.

10 લાખ ચોરનાર ઝડપાયો

પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ભોપાલમાંથી મુખ્ય આરોપી પપ્પુને ઝડપી પાડ્યો છે. તેની નિશાની પરથી પોલીસે આશરે 10 લાખ રૂપિયાની કિંમતના ચોરાયેલા સોના-ચાંદીના દાગીના પણ જપ્ત કર્યા છે. આ મામલે પોલીસે સોની વેપારીની પણ ધરપકડ કરી છે અને આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Heart Attack : જીમ કે રમતી વખતે અચાનક હાર્ટ એટેક કેમ આવે છે? આ લક્ષણોને ભૂલથી પણ ન કરશો નજરઅંદાજ