JAGDALPUR સ્થિત નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની વિશેષ અદાલતે 2013ના બહુચર્ચિત ઝીરામ ઘાટી નક્સલી હુમલા કેસમાં શનિવારે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બે મહિલાઓ સહિત તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ ભયાનક નક્સલી હુમલામાં રાજ્યના ટોચના કોંગ્રેસ નેતૃત્વ, સુરક્ષાકર્મીઓ અને સામાન્ય નાગરિકો સહિત 29 લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. સ્પેશિયલ જજ અભય સિંહ રાજપૂતે તમામ દોષિતોની સજા પરનો ચુકાદો 16 સપ્ટેમ્બર 2026 સુધી અનામત રાખ્યો છે.

કોંગ્રેસની 'પરિવર્તન યાત્રા'ના કાફલા પર હુમલો થયો હતો

ઉલ્લેખનીય છે કે, 25 મે 2013ના રોજ BASTAR જિલ્લાના દરભા વિસ્તારમાં સ્થિત ઝીરામ ઘાટીમાં નક્સલવાદીઓએ કોંગ્રેસની 'પરિવર્તન યાત્રા'ના કાફલા પર ઘાત લગાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં તત્કાલીન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નંદ કુમાર પટેલ, 'સલવા જુડૂમ'ના સ્થાપક મહેન્દ્ર કરમા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વિદ્યાચરણ શુક્લા સહિત 29 લોકોના મોત થયા હતા, જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાએ છત્તીસગઢ કોંગ્રેસના મુખ્ય નેતૃત્વને એક જ આંચકામાં સાફ કરી દીધું હતું.

કુલ 101 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા

કેસની સુનાવણી દરમિયાન કુલ 101 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ઘટના બાદ બસ્તર પોલીસે કેસ નોંધ્યો હતો, પરંતુ બાદમાં તપાસ NIAને સોંપાઈ હતી. 

હાઈકોર્ટમાં અપીલ કરાશે

NIAએ સપ્ટેમ્બર 2014માં ચાર્જશીટ દાખલ કરી હતી. 13 વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આવેલા આ નિર્ણયથી પીડિત પરિવારોને ન્યાયની આશા જાગી છે. બીજી તરફ, બચાવ પક્ષના વકીલે ચુકાદાની નકલ મળ્યા બાદ હાઈકોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે.  


આ પણ વાંચો  :    Nepal Flood : ફ્લેશ ફ્લડ પર નેપાળને ભારતનો જવાબ, વિકસિત દેશોએ જ વિકાસશીલ દેશોની મદદ કરવી જોઈએ