ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ચોમાસા સત્રના પહેલા દિવસે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને મોકલેલા રાજીનામા પત્રમાં તેમને સ્વાસ્થ્યના કારણોનો ઉલ્લેખ કર્યો છે.


જગદીપ ધનખડનું આખું જીવન એક પ્રેરણાદાયી સફર છે. જગદીપ ધનખડ એક સરળ ગ્રામીણ બેકગ્રાઉન્ડમાંથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા. તેમનો જન્મ 18 મે 1951ના રોજ રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના કિઠાના ગામમાં થયો હતો.

સરકારી શાળાથી ટોપ સુધીની સફર

જગદીપ ધનખડે પોતાનું પ્રારંભિક શિક્ષણ તેમના ગામની સરકારી પ્રાથમિક શાળામાંથી મેળવ્યું. ત્યારબાદ ધોરણ 6 માટે તેઓ તેમના ગામથી 4-5 કિમી દૂર આવેલા ઘઢાણા ગામની સરકારી માધ્યમિક શાળામાં જોડાયા. તેઓ દરરોજ અન્ય બાળકો સાથે શાળાએ ચાલીને જતા.

આ પછી 1962માં જગદીપ ધનખડે ચિત્તોડગઢ સૈનિક સ્કૂલની પ્રવેશ પરીક્ષા પાસ કરી અને પૂર્ણ મેરિટ સ્કોલરશિપ પર એડમિશન મેળવ્યું. ત્યાંથી તેમને ઈન્ડિયન સ્કુલ સર્ટિફિકેટ પરીક્ષા પાસ કરી, જે કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત હતી. આ પછી તેમને મહારાજા કોલેજ, જયપુરમાંથી ભૌતિકશાસ્ત્રમાં બીએસસી ઓનર્સ ડિગ્રી મેળવી, જે રાજસ્થાન યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી.

વકીલાતમાં બનાવ્યું કરિયર

વકીલાતના ક્ષેત્રમાં પ્રવેશ કરીને જગદીપ ધનખડે 1978-79માં રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એલએલબી પૂર્ણ કર્યું. 10 નવેમ્બર 1979ના રોજ તેઓ રાજસ્થાન બાર કાઉન્સિલમાં વકીલ તરીકે રજિસ્ટર્ડ થયા હતા.

27 માર્ચ 1990 ના રોજ રાજસ્થાન હાઈકોર્ટે જગદીપ ધનખડને સીનિયર વકીલનો દરજ્જો આપ્યો. આ પછી તેમને સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી અને સ્ટીલ, કોલસો, ખાણકામ અને આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક મધ્યસ્થી જેવા ક્ષેત્રોમાં વિશેષતાઓ હાંસલ કરી.

જનતા દળ દ્વારા રાજનીતિમાં એન્ટ્રી

આ પછી તેમને જનતા દળ દ્વારા રાજનીતિમાં એન્ટ્રી કરી. તેઓ 1989માં જનતા દળની ટિકિટ પર ઝુનઝુનુથી 9મી લોકસભામાં ચૂંટાયા અને 1990માં સંસદીય બાબતોના રાજ્યમંત્રી બન્યા.

આ પછી તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. 1993માં તેઓ અજમેર જિલ્લાના કિશનગઢ મતવિસ્તારમાંથી રાજસ્થાન વિધાનસભામાં ચૂંટાયા. જગદીપ ધનખડ 1993 થી 1998 સુધી રાજસ્થાન વિધાનસભાના સભ્ય રહ્યા અને ઘણી મહત્વપૂર્ણ સમિતિઓમાં સામેલ રહ્યા. 2003માં જગદીપ ધનખડ ભાજપમાં જોડાયા.

2019 માં બન્યા બંગાળના રાજ્યપાલ

30 જુલાઈ 2019 ના રોજ તેમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જ્યાં તેમને 18 જુલાઈ 2022 સુધી સેવા આપી. આ પછી તેઓ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ બન્યા. જગદીપ ધનખરનું જીવન દર્શાવે છે કે સમર્પણ, શિક્ષણ અને સખત મહેનતથી કોઈપણ વ્યક્તિ દેશના સર્વોચ્ચ પદો સુધી પહોંચી શકે છે.


  • Follow us on: