રાજસ્થાન હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ વૈવાહિક વિવાદની સુનાવણીમાં પતિને આપવામાં આવેલા છૂટાછેડાના નિર્ણયને યોગ્ય ઠેરવીને માન્ય રાખ્યો છે. અદાલતે સ્પષ્ટ અવલોકન કર્યું કે જો પત્ની શારીરિક અક્ષમતા કે માન્ય કારણ વગર લાંબા સમય સુધી સંબંધ બાંધવાનો ઇનકાર કરે તો તે માનસિક ક્રૂરતા ગણાય છે. ન્યાયમૂર્તિ મુન્નરી લક્ષ્મણ અને યોગેન્દ્ર કુમાર પુરોહિતની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.

દંપતીના લગ્ન વર્ષ 2018 માં થયા હતા

કેસની વિગતો મુજબ આ દંપતીના લગ્ન વર્ષ 2018 માં થયા હતા. પતિના જણાવ્યા અનુસાર લગ્ન બાદ પત્ની આશરે 10 દિવસ તેની સાથે રહી હતી અને ત્યાર પછી પોતાની નોકરીના સિલસિલામાં જેસલમેર પરત ફરી ગઈ હતી. ત્યારબાદ પતિ પણ પત્ની સાથે જેસલમેરમાં લગભગ 15 થી 20 દિવસ સુધી રહ્યો હતો. 

બંને વચ્ચે ક્યારેય શારીરિક સંબંધ બંધાયા ન હતા

જોકે, પતિએ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે આ સમયગાળા પછી બંને વચ્ચે ક્યારેય શારીરિક સંબંધ બંધાયા ન હતા. આ ઉપરાંત પત્ની તેના વ્યવસાયને લઈને વારંવાર મહેણાં મારતી હતી, તેની સાથે રહેવાનો ચોખ્ખો ઇનકાર કરતી હતી અને અવારનવાર આત્મહત્યા કરી લેવાની ધમકી આપતી હતી. 

માનસિક અને શારીરિક યાતના

પતિનો દાવો હતો કે પત્નીના આવા ત્રાસજનક વર્તનને કારણે તેને અસહ્ય માનસિક અને શારીરિક યાતનાનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, પત્નીએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. પત્નીનો એવો દાવો હતો કે તેનો પતિ નાની બાબતોમાં ઝઘડા કરતો હતો, પોતાની નોકરી છોડી દેવા દબાણ કરતો હતો અથવા પગારમાંથી અડધા પૈસા માગતો હતો.

કોર્ટે ક્રૂરતાના આધારે છૂટાછેડા મંજૂર કર્યા હતા

પત્નીએ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે તે પત્ની તરીકે પતિ સાથે રહેવા તૈયાર હતી. આ સમગ્ર મામલાની સુનાવણી પૂર્ણ થયા બાદ ફેમિલી કોર્ટે વર્ષ 2024 માં પતિને હિન્દુ મેરેજ એક્ટની કલમ 13(1)(ia) હેઠળ ક્રૂરતાના આધારે છૂટાછેડા મંજૂર કર્યા હતા અને પત્નીની દાંપત્ય અધિકારો પુનઃસ્થાપિત કરવાની અરજી ફગાવી દીધી હતી. 

લાંબા સમયનો ઇનકાર માનસિક ક્રૂરતા

આ નિર્ણયથી અસંતુષ્ટ થઈને પત્નીએ હાઇકોર્ટમાં બે અલગ અપીલ દાખલ કરી હતી. રાજસ્થાન હાઇકોર્ટે તમામ પુરાવા અને દલીલોની તપાસ કરીને નોંધ્યું કે પતિ પર પત્ની દ્વારા આત્મહત્યાની ધમકી આપવાનો આરોપ સાબિત થાય છે. વળી, બંને વચ્ચે કોઈ શારીરિક અક્ષમતા ન હોવા છતાં 25 ઓક્ટોબર 2018 થી સંબંધ બંધાયા ન હતા અને પત્નીએ સંમતિ આપી ન હતી. કોર્ટે જણાવ્યું કે માન્ય કારણ વિના લાંબા સમયનો ઇનકાર માનસિક ક્રૂરતા છે, જેથી હસ્તક્ષેપનો કોઈ આધાર નથી. 


 આ પણ વાંચો : Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો