રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પહેલગામના બૈસરનમાં પ્રસ્તાવિત કેબલ કાર પ્રોજેક્ટ માટે જમ્મુ અને કાશ્મીર સરકારને મંજૂરી આપી દીધી છે. આ એ જ પર્યટન સ્થળ છે જ્યાં 22 એપ્રિલે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. જમ્મુ અને કાશ્મીર સરકારે આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી NIA પાસેથી આ પ્રોજેક્ટ માટે મંજૂરી માગી હતી.


ટુંક સમયમાં કામ થશે શરૂ

અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રે પ્રોજેક્ટ ફરી શરૂ કરતા પહેલા NIAનો અભિપ્રાય માગ્યો હતો. NIAના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અમને કેબલ કાર પ્રોજેક્ટ અંગે અમારા મંતવ્યો પૂછવામાં આવ્યા હતા અને અમે જણાવ્યું હતું કે અમને તપાસ સામે કોઈ વાંધો નથી." 1.4 કિલોમીટરના આ પ્રોજેક્ટનો ખર્ચ 100-120 કરોડ (આશરે $૧.૨ બિલિયન) થવાનો અંદાજ છે અને હાલમાં વધુ અભ્યાસ માટે સ્થળ મુલાકાતની પરવાનગીની રાહ જોઈ રહ્યું છે. આ મુદ્દો તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો અને વિધાનસભાને જાણ કરવામાં આવી હતી કે પહેલગામ બૈસરનમાં કેબલ કાર પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે NIAની મંજૂરી જરૂરી છે.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો

27 ઓક્ટોબરના રોજ વિધાનસભામાં પહેલગામના ધારાસભ્ય અલ્તાફ અહમદ વાની દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, જેમની પાસે પ્રવાસન વિભાગ પણ છે, તેમણે કહ્યું હતું કે પ્રોજેક્ટનું કામ ફાળવવામાં આવ્યું હતું, પરંતુ પહેલગામ પછીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હજુ સુધી શરૂ કરી શકાયું નથી. 1.4 કિલોમીટર લાંબી આ કેબલ કાર પહેલગામમાં યાત્રી નિવાસને બૈસરન સાથે જોડશે. જમ્મુ અને કાશ્મીર કેબલ કાર કોર્પોરેશન (JKCCC)એ આ માર્ગ ઓળખી કાઢ્યો છે અને જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માટે આશરે 9.13 હેક્ટર જંગલ જમીનનો ઉપયોગ કરવામાં આવશે.

18 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા

JKCCCએ કન્સલ્ટન્સી અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા માટે ટેન્ડર બહાર પાડી દીધા છે. આ કામ રોનમાસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું હતું, પરંતુ આતંકવાદી ઘટના બાદ કંપની ફિલ્ડ સ્ટડી કરી શકી ન હતી. એજન્સીએ હવે ટોપોગ્રાફિકલ અને જીઓટેકનિકલ સર્વેક્ષણ માટે વિસ્તારની મુલાકાત લેવાની પરવાનગી માગી છે. પ્રવાસન વિભાગે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ખર્ચ ₹100 કરોડથી ₹120 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે અને કામ શરૂ થયાના 18 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. કેબલ કારનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિને વેગ આપવાનો છે, જે આતંકવાદી હુમલા પછી પુનર્નિર્માણમાં મદદ કરશે.


  • Follow us on: