જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ ગુલમર્ગમાં આવેલી વિશ્વપ્રસિદ્ધ ગુલમર્ગ ગોંડોલા સેવા એક મહિનાના લાંબી સમય સુધી બંધ રાખ્યા બાદ હવે ફરી શરૂ થઈ ગઈ છે. ટેકનિકલ ખામીના કારણે 25 મેના રોજ ગોંડોલા સેવા અચાનક બંધ કરવામાં આવી હતી, જેના કારણે અનેક પ્રવાસીઓ અટવાઈ ગયા હતા અને પરિસ્થિતિ ગંભીર બની હતી.
300થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા હતા
તે સમયે ગોંડોલાના વિવિધ કેબિનમાં 300થી વધુ પ્રવાસીઓ ફસાઈ ગયા હતા, જેના પગલે વિશાળ સ્તરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બચાવ કામગીરીમાં જમ્મુ કાશ્મીર પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને કેબલ કાર કોર્પોરેશનની ટીમોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તમામ પ્રવાસીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
હવે તમામ ખામીઓ દૂર કરવામાં આવી
ઘટનાને ગંભીરતા સાથે લેતાં પ્રશાસને ગોંડોલા સેવાને તાત્કાલિક બંધ કરી દીધી હતી અને ટેકનિકલ ખામીઓ દૂર કરવા તથા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે નિષ્ણાતોની ટીમો તૈનાત કરવામાં આવી હતી. લાંબા સમય સુધી ચાલેલા સમારકામ અને સુરક્ષા ચકાસણી બાદ હવે તમામ ખામીઓ દૂર કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ગુલમર્ગ ગોંડોલા સાઈટની મુલાકાત લીધી
આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પોતે ગુલમર્ગ ગોંડોલા સાઈટની મુલાકાત લીધી હતી. તેમણે સમગ્ર સિસ્ટમની કામગીરીની સમીક્ષા કરી અને સુરક્ષા વ્યવસ્થાનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. તેમની મુલાકાત બાદ અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે હવે તમામ ટેકનિકલ મુદ્દાઓ ઉકેલી લેવામાં આવ્યા છે અને સુરક્ષા ધોરણોને સંપૂર્ણ રીતે અનુસરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ ગોંડોલા સેવાને ફરીથી સંપૂર્ણ રીતે શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી.
હાલ ફરી શરૂ થયેલી ગુલમર્ગ ગોંડોલા સેવા પર્યટકો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે. પર્યટકોમાં ફરીથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગુલમર્ગના પ્રવાસન ક્ષેત્રને આ નિર્ણયથી નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Kanpurમાં 800 કોચિંગ સેન્ટર પણ ફાયર NOC માત્ર 40 પાસે, 3 દિવસમાં 54 બિલ્ડિંગ કરાઈ સીલ