ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉંમાં થયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયું છે. તેના ભાગરૂપે કાનપુરમાં પણ ગેરકાયદે રીતે સંચાલિત થતી ઈમારતો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. શહેરમાં બેઝમેન્ટમાં ચાલતા કોચિંગ સેન્ટરો, હોસ્પિટલો તેમજ રહેણાંક ઈમારતોમાં ગેરકાયદે વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી મિલ્કતોને સીલ કરવામાં આવી રહી છે.


કાર્યવાહીનો અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવશે

પ્રશાસન દ્વારા ફાયર સેફ્ટીની NOC વગર સંચાલિત થતી ઈમારતો સામે પણ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરની કુલ 54 ઈમારતો સીલ કરવામાં આવી છે, જ્યારે 90 જેટલી બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે. આ કાર્યવાહીનો અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

800થી વધુ કોચિંગ સેન્ટરોમાં નિયમોનો ભંગ

કાનપુરના કાકાદેવ સહિતના વિસ્તારોમાં 800થી વધુ કોચિંગ સેન્ટરો કાર્યરત છે. તેમાંના મોટાભાગના સંસ્થાઓ જરૂરી સુરક્ષા નિયમોનું પાલન કર્યા વિના ચાલી રહી છે. ફાયર વિભાગના જણાવ્યા મુજબ 800માંથી માત્ર 40 કોચિંગ સેન્ટરો પાસે જ ફાયર વિભાગની NOC ઉપલબ્ધ છે. બાકીના સંસ્થાઓ વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે જોખમ લઈ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

KDA પર પણ સવાલો

આ કાર્યવાહી બાદ માત્ર કોચિંગ સંચાલકો જ નહીં, પરંતુ કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (KDA)ની કામગીરી પર પણ પ્રશ્નો ઊભા થયા છે. શહેરમાં મોટાપાયે ગેરકાયદે બાંધકામો થવા છતાં સમયસર કાર્યવાહી કેમ ન થઈ તે અંગે ચર્ચા શરૂ થઈ છે. KDAમાં પૂરતા ઈજનેરો અને અધિકારીઓ હોવા છતાં ગેરરીતિઓ રોકવામાં નિષ્ફળતા અંગે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

ઑનલાઈન ક્લાસ તરફ વળ્યા વિદ્યાર્થીઓ

તંત્રની કાર્યવાહી બાદ અનેક કોચિંગ સંસ્થાઓએ તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપી છે. હાલ વિદ્યાર્થીઓને ઑનલાઈન ક્લાસમાં જોડાવા માટે સૂચના આપવામાં આવી રહી છે. શહેરમાં ફાયર સેફ્ટી અને બિલ્ડિંગ નિયમોના પાલન અંગે હવે વધુ કડક દેખરેખ રાખવામાં આવશે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : PSUs Share Sale : 11 વર્ષમાં સરકારે સૌથી વધુ શેર વેચ્યા, OFS દ્વારા 25,491 કરોડ એકત્ર કરાયા


  • Follow us on: