જમ્મુ-કાશ્મીરની ઉચ્ચ સુરક્ષા ધરાવતી કોટ ભલવાલ સેન્ટ્રલ જેલમાં બંધ શાહિદ ઈમરાન નામના 36 વર્ષીય પાકિસ્તાની કેદીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની શક્યતા જણાય છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. સત્તાવાળાઓનું કહેવું છે કે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ જાણી શકાશે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક શાહિદ ઈમરાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધા વિસ્તારનો રહેવાસી હતો. તેની ઓક્ટોબર 2024માં જમ્મુના મકવાલ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB) નજીક ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે કોટ ભલવાલ જેલમાં બંધ હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈમરાન માનસિક બીમારીથી પીડાતો હતો; તે તેની જેલની કોટડીમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તપાસ આગળ વધશે
જેલ સત્તાવાળાઓ તેને તાત્કાલિક જમ્મુની સરકારી મેડિકલ કોલેજ (GMC) હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શબઘરમાં મોકલવામાં આવ્યો હતો. મૃત્યુનું વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે. જરૂરી કાયદાકીય કાર્યવાહી અને પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. જેલ સત્તાવાળાઓ અને સંબંધિત અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કયા સંજોગોમાં કેદીએ આ પગલું ભર્યું. આ મામલે તપાસ હાલ ચાલુ છે.
જાન્યુઆરીમાં પણ એક પાકિસ્તાની કેદીનું મૃત્યુ થયું હતું
જાન્યુઆરી ૨૦૨૬માં, જમ્મુની કોટ ભલવાલ જેલમાં સારવાર દરમિયાન અન્ય એક પાકિસ્તાની કેદીનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ મોહમ્મદ રફીક (38) તરીકે થઈ હતી, જે પાકિસ્તાનનો રહેવાસી હતો અને 'ફોરેનર્સ એક્ટ' (વિદેશી નાગરિક ધારા) હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર તે પાકિસ્તાનના સિયાલકોટનો રહેવાસી હતો અને 2024માં રામગઢ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સુરક્ષા દળો દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Delhi: જંતર-મંતર પર વિરોધ વચ્ચે અમને ખોટી રીતે સ્પર્શ કર્યો... ત્રણ મહિલા પત્રકારોનો દિલ્હી પોલીસના ACP પર ગંભીર આરોપ