જમ્મુ કાશ્મીરના મોટા ભાગના જિલ્લાઓની જેમ જમ્મુના કટરામાં વરસાદી માહોલ છે. રવિવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે ભૂસ્ખલન થયુ હોવાનું સામે આવ્યું છે. આજે પણ વરસાદી માહોલ છે. કટરાથી માતા વૈષ્ણવદેવી તરફ જવાના માર્ગે ભૂસ્ખલ થયું હોવાનું સામે આવ્યું છે.
5 યાત્રિકો ઇજાગ્રસ્ત
આજે સવારે 8 વાગે બાણગંગાની પાસે અચાનક પહાડો પરથી પથ્થર અમે માટી ધસી પડતા માર્ગ બંધ થયો છે. વૈષ્ણવદેવી જતા આ માર્ગ પર બનેલા શેડનો એક ભાગ જમીન દોસ્ત થઇ ગયો. શેડની સાથે સાથે યાત્રાના માર્ગ પર બનેલી રેલિંગનો ભાગ ક્ષતિગ્રસ્ત થઇ છે. જેમાં પાંચ યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતા જ માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના અધિકારી અને પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી ચાલુ કરી હતી. સૌથી પહેલા આ ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર માટે કટરાની હોસ્પિટલમાં મોકલાયા હતા. જે બાદ નારાયણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રિફર કરાયા હતા.
અચાનક ધસી પડી ભેખડ- પ્રત્યક્ષદર્શી
કેટલાક પ્રત્યક્ષદર્શીઓનું કહેવુ છે કે આ ઘટનામાં પથ્થર અને માટીની ઝપેટમાં કેટલાક લોકો આવી ગયા હતા. તેઓને સારવાર અર્થે ખસેડાયા છે. મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ એક યાત્રીનું કહેવુ છે કે તેઓ યાત્રા કરીને પરત ફર્યા તે બાદ વરસાદ થઇ રહ્યો હતો. જેવા બાણગંગા પાસે પહોંચ્યા કે અચાનક જ પહાડો પરથી પથ્થર અને માટી સરકવા લાગી હતી.
ઘટનાને પગલે જેસીબી મશીનની સાથે શ્રાઇન બોર્ડના કર્મચારીઓ પણ બચાવકામગીરીમાં જોડાયા છે. જો કે ભારે વરસાદને કારણે તેમાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં અધિકારીઓનું કહેવુ છે કે લેન્ડ સ્લાઇડ થવા જતા પણ માતા વૈષ્ણવદેવીની યાત્રા યથાવત રહેશે.













