ઝારખંડના રાંચીમાં મુખ્યમંત્રી હેમંત સોરેનનું પૂતળું સળગાવતી વખતે થયેલા હંગામા અને ધક્કામુક્કીના મામલે પોલીસે JPSC-JSSC રિફોર્મ મંચ સાથે જોડાયેલા લોકો સામે ત્રણ FIR નોંધી છે. શુક્રવારે અલ્બર્ટ એક્કા ચોક ખાતે પૂતળા દહન દરમિયાન મારામારી થતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસને ઘટનાસ્થળના અનેક વીડિયો ફૂટેજ મળ્યા
કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ત્રણ FIRમાં કુલ 14 લોકોને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે, જ્યારે કેટલાક અજાણ્યા લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, અંકિતા વર્મા, શાહબાઝ અને એક મેજિસ્ટ્રેટની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. નામજદ આરોપીઓમાં કુણાલ કુમાર, પિયુષ અને રવિન્દ્ર પાસવાન સહિત અન્ય લોકોના નામ સામેલ છે. પોલીસને ઘટનાસ્થળના અનેક વીડિયો ફૂટેજ મળ્યા છે. હવે આ ફૂટેજના આધારે હંગામામાં સામેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ બાદ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ દરમિયાન અમીષા પ્રસાદને પૂછપરછ માટે મહિલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. આ કાર્યવાહી સદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ નંબર 286/26 સાથે સંબંધિત હોવાનું જણાવાયું છે. આ કેસ સેમફોર્ડ હોસ્પિટલમાં તોડફોડ સાથે જોડાયેલો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આપેલી નોટિસ સ્વીકારવાનો અમીષા પ્રસાદે ઈનકાર કર્યો હોવાનો પણ દાવો છે.
વિદ્યાર્થીઓને પૂતળું સળગાવવાથી રોકવાનો પ્રયાસ કરતાં વિવાદ વકર્યો
અમીષા પ્રસાદની પૂછપરછની જાણ થતાં વિપક્ષના નેતા બાબૂલાલ મરાંડી, રાંચીના ધારાસભ્ય સી.પી. સિંહ અને રાંચીના મેયર રોશની ખલખો સહિત અનેક ભાજપ નેતાઓ કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ભાજપ નેતાઓ લગભગ ચાર કલાક સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા. શુક્રવારે JPSC-JSSC રિફોર્મ મંચના નેતૃત્વમાં વિદ્યાર્થીઓ અલ્બર્ટ એક્કા ચોક ખાતે હેમંત સોરેનનું પૂતળું સળગાવી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ વિદ્યાર્થીઓને પૂતળું સળગાવવાથી રોકવાનો પ્રયાસ કરતાં વિવાદ વકર્યો અને સ્થિતિ તણાવપૂર્ણ બની હતી.
આ પણ વાંચો : PM મોદીએ BJPની નવી 65 સભ્યોની ટીમ સાથે કરી મુલાકાત, ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા