ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે. 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે શનિવારે રાંચીમાં હજારો વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોએ "તિરંગા યાત્રા" કાઢી હતી અને આગામી 20 ઓગસ્ટે મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે. વિરોધીઓ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે અને શાસક જેએમએમ-કોંગ્રેસ ગઠબંધન પર તેમની માંગણીઓ પ્રત્યે બેદરકારી દાખવવાનો આરોપ મૂક્યો છે.

રાંચીમાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ

વિદ્યાર્થી નેતાઓએ જણાવ્યું છે કે જ્યાં સુધી પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવામાં નહીં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. તેમની મુખ્ય માંગણીઓમાં ગેરરીતિઓ મળી આવેલી પરીક્ષાઓ રદ કરવી અને સમગ્ર પ્રક્રિયાની સીબીઆઈ (CBI) અથવા ઝારખંડ બહારના નિવૃત્ત ન્યાયાધીશોની સમિતિ દ્વારા સ્વતંત્ર તપાસ કરાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જો સરકાર વિદ્યાર્થીઓની માંગણીઓનું નિરાકરણ નહીં લાવે તો કોંગ્રેસે ગઠબંધનમાંથી ટેકો પાછો ખેંચી લેવો જોઈએ તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું 

બીજી બાજુ, રાજ્ય સરકારે ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે પગલાં લેવાનું વચન આપ્યું છે. મુખ્યમંત્રી હેમંત સોરેને ખાતરી આપી છે કે અનિયમિતતાઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે અને કોઈપણ દોષિતને છોડવામાં આવશે નહીં. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ યુવાનોને તેમના હકો માટે શાંતિથી અવાજ ઉઠાવવા અપીલ કરી છે અને આગામી દિવસોમાં આંદોલનને વધુ તેજ બનાવવાની ચેતવણી આપી છે.

આ પણ વાંચોઃ Zimbabwean boat accident: બોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, 18 બાળકો સહિત 72ના મોત