ઝિમ્બાબ્વેના પ્રખ્યાત કરીબા તળાવ પર થયેલી એક ગંભીર બોટ દુર્ઘટનામાં 18 બાળકો સહિત કુલ 72 લોકોના મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં શોકનું મોજુ ફેલાવી દીધું છે, કારણ કે બોટમાં તેની ક્ષમતા કરતાં ઘણા વધુ મુસાફરો સવાર હતા.

ક્ષમતા કરતાં વધુ મુસાફરો 

આ દુર્ઘટના મંગળવારે જોરદાર મોજાં અને ખરાબ હવામાનને કારણે સર્જાઈ હતી, જ્યારે ઓવરલોડેડ ફેરી અચાનક પલટી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બોટની ક્ષમતા માત્ર 90 મુસાફરોની હતી, પરંતુ અનુમાન છે કે તેમાં આશરે 153 લોકો સવાર હતા. રસ્તાઓની ખરાબ સ્થિતિ અને જાહેર પરિવહનના અભાવના કારણે સ્થાનિક ગ્રામીણ અને માછીમાર સમુદાયના લોકો કરીબા શહેર જવા માટે આ સરકારી ફેરીનો ઉપયોગ કરતા હતા.

બચાવ કામગીરી અને મૃત્યુઆંક

ઘટનાની જાણ થતા જ સુરક્ષા અને બચાવ ટીમો તાત્કાલિક કામે લાગી ગઈ હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી અત્યાર સુધીમાં ૭૭ લોકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે અને તેમને નજીકના ટાપુ પર સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે. શનિવારે બચાવકર્મીઓએ વધુ મૃતદેહો બહાર કાઢ્યા હતા, ત્યારબાદ પોલીસે મૃત્યુઆંક વધીને ૭૨ પર પહોંચ્યો હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. મૃતકોમાં 16 બાળકો 10 વર્ષ કે તેથી ઓછી ઉંમરના હતા, જેમાં સૌથી નાનું બાળક માત્ર એક વર્ષનું હતું.

કરીબા તળાવ વિશેની માહિતી

કરીબા એ વિશ્વનું સૌથી મોટું માનવસર્જિત તળાવ છે, જે 1950અને 1960ના દશકામાં ઝામ્બેઝી નદી પર બંધ બાંધીને બનાવવામાં આવ્યું હતું. આ તળાવ ૨૦૦ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને ઝિમ્બાબ્વે તથા ઝામ્બિયા વચ્ચેની સરહદ તેની પાસેથી પસાર થાય છે. પરિવહનના સાધનો મર્યાદિત હોવાને કારણે અહીંના ગ્રામીણ વિસ્તારોમાં જળ માર્ગો મુખ્ય આધાર છે, પરંતુ ક્ષમતા કરતાં વધુ વજન અને સુરક્ષાના નિયમોની અનદેખી ઘણીવાર આવી મોટી દુર્ઘટનાઓનું કારણ બને છે.

આ પણ વાંચોઃ આંખો નીચે કાળા કુંડાળા પડવાના આ રહ્યા કારણો