ઝારખંડના લાતેહાર જિલ્લામાં શનિવારે સાંજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ચંદવા પોલીસ સ્ટેશન સીમામાં આવતી દેઢ ટંગવા ઘાટીમાંથી પસાર થઈ રહેલી એક પેસેન્જર ઓટો રિક્ષાને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનરે જોરદાર ટક્કર મારી હતી.
ઝારખંડના લાતેહાર જિલ્લામાં અકસ્માત 7 લોકોના મોત
ટક્કર એટલી ભયાનક હતી કે ઓટો રિક્ષાના કૂચેકૂચા નીકળી ગયા હતા અને તેમાં સવાર કેટલાક મુસાફરો સીધા કન્ટેનરના વ્હીલ અને બોડી નીચે દબાઈ ગયા હતા. અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી. આ ભયાનક ઘટનામાં 7 લોકોના ઘટનાસ્થળે જ તડપી-તડપીને મોત નીપજ્યા હતા. અકસ્માતના અવાજને પગલે આસપાસના સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ ચંદવા થાણા પ્રભારી મનોરંજન પ્રસાદ સિંહ તેમની પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
