કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં મોટો રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. પાર્ટીએ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ડી. કે. શિવકુમારના નામ પર મંજૂરી આપી છે. તેઓ અત્યાર સુધી ડેપ્યુટી મુખ્યમંત્રી હતા, પરંતુ હવે તેઓ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમનો શપથ ગ્રહણ સમારોહ 3 જૂનના રોજ યોજાશે.

https://twitter.com/ANI/status/2060719792429175215


સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું

આ પહેલાં સિદ્ધારમૈયા કર્ણાટકના મુખ્યમંત્રી હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તનને લઈને ચર્ચા ચાલી રહી હતી. અંતે આ નિર્ણય અમલમાં આવ્યો અને સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. રાજીનામું રાજ્યપાલે સ્વીકારી લીધું અને સમગ્ર મંત્રિપરીષદ ભંગ કરવામાં આવી, જેના કારણે નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ. શનિવારે બેંગલુરુમાં વિધાન સૌધ ખાતે કોંગ્રેસ વિધાનસભા દળ (CLP)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકની દેખરેખ AICCના વરિષ્ઠ નેતાઓ કે.સી. વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલાએ કરી હતી. બેઠકમાં નવા નેતૃત્વ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો.

બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો

બેઠકમાં ત્રણ મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા. પ્રથમ, તમામ ધારાસભ્યોએ એક પ્રસ્તાવ પાસ કર્યો જેમાં નક્કી કરવામાં આવ્યું કે નવા નેતાની પસંદગીનો અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈ કમાન્ડ કરશે. બીજું, સિદ્ધારમૈયાએ પોતે ડી. કે. શિવકુમારનું નામ નવા CLP નેતા તરીકે પ્રસ્તાવિત કર્યું, જેને તમામ સભ્યોએ મંજૂરી આપી. ત્રીજું, ડી. કે. શિવકુમારે સિદ્ધારમૈયાનો આભાર વ્યક્ત કર્યો. બેઠક બાદ ડી. કે. શિવકુમારે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સાથે મુલાકાત કરી. આ દરમિયાન સિદ્ધારમૈયા પણ હાજર રહ્યા હતા. રાજ્યપાલે ડી. કે. શિવકુમારને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે અને તેઓ 3 જૂને મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ ફેરફાર સાથે કર્ણાટકની રાજનીતિમાં નવો અધ્યાય શરૂ થયો છે અને આગામી દિવસોમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ ચર્ચાઓ તેજ થવાની શક્યતા છે.

આ પણ વાંચો : CUET UG 2026 Dispute: NTAએ સ્વીકારી ભૂલ, વિદ્યાર્થીઓ આપી શકશે ફરી પરીક્ષા