કર્ણાટક વિધાન પરિષદ (MLC)ની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ રાજ્યના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. સત્તાધારી કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા પોતાના તમામ પાંચેય ઉમેદવારોને વિજય અપાવ્યો છે,
કર્ણાટક MLCની ચૂંટણીમાં કોંગ્રેસના 5 ઉમેદવારોની જીત
કર્ણાટક MLCની ચૂંટણીમાં કોંગ્રેસે તેના પાંચેય ઉમેદવારોની જીત થઇ છે. ભાજપે બે બેઠકો જીતી, જ્યારે તેના સાથી પક્ષ, જનતા દળ (સેક્યુલર) (JD(S)) ને હારનો સામનો કરવો પડ્યો. આ પરિણામને મુખ્યમંત્રી ડીકે શિવકુમાર માટે એક મહત્વપૂર્ણ રાજકીય વિજય તરીકે જોવામાં આવી રહ્યું છે, જ્યારે તે ભાજપ અને JD(S) માટે એક મોટો ઝટકો છે. આને કેન્દ્રીય મંત્રી અને JD(S) નેતા એચડી કુમારસ્વામી માટે પણ એક મોટો ફટકો માનવામાં આવે છે, જેમણે ચૂંટણીને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધો હતો અને મુખ્યમંત્રી શિવકુમારને ખુલ્લો પડકાર આપ્યો હતો.
ક્રોસ વોટિંગ કોંગ્રેસને ફળ્યુ
આ ચૂંટણીમાં કોંગ્રેસને તેના સંખ્યાબળ કરતાં 11 વોટ વધુ મળ્યા છે. કોંગ્રેસ પાસે 135 ધારાસભ્યો અને અન્ય 3 મળીને કુલ 138 સભ્યોનું સમર્થન હતું, પરંતુ અંતે પક્ષના ઉમેદવારોને 151 મત મળ્યા હતા. આમ થવાનું કારણ ક્રોસ વોટિંગ માનવામાં આવી રહ્યું છે. ભાજપમાંથી અગાઉ સસ્પેન્ડ થયેલા બે ધારાસભ્યો સિવાય અન્ય ત્રણ ભાજપી ધારાસભ્યો અને JD(S) ના છ ધારાસભ્યોએ કોંગ્રેસના પક્ષમાં મતદાન કર્યું હોવાનું સામે આવ્યું છે.કોંગ્રેસ મહાસચિવ અને કર્ણાટક પ્રભારી રણદીપ સિંહ સૂરજેવાલાએ આ જીતને કર્ણાટકના ઇતિહાસમાં મોટો દિવસ ગણાવ્યો છે.
ભાજપે સ્વીકારી ક્રોસ વોટિંગની વાત
ક્રોસ વોટિંગની વાત ભાજપના નેતાએ પણ સ્વીકારી. ભાજપના વરિષ્ઠ નેતા અને વિધાનસભાના નેતા પ્રતિપક્ષ આર અશોકે કહ્યું કે ભાજપના ઉમેદવાર લિંગરાજ પાટિલ અને રઘુ કૌટિલ્ય ચૂંટણીમાં વિજયી થયા. સાથે જ કહ્યું કે અમારા 3 વોટ અન્યને મળ્યા છે. કોણ છે તેની અમે તપાસ કરીશું અને પાર્ટી તેના પર યોગ્ય નિર્ણય લેશે.
ચૂંટણીમાં કોને કેટલા વોટ મળ્યા ?
ચૂંટણીમાં કોંગ્રેસના બી.કે. હરિપ્રસાદ, ટિપ્પણપ્પા કામકાનૂર, પી.વી. મોહન અને બી.એસ. શિવન્નાને 30-30 મત મળ્યા હતા. જ્યારે ડી.કે. શિવકુમારના નજીકના ગણાતા પાંચમા ઉમેદવાર વિનય કાર્તિકને સૌથી વધુ 32 મત મળ્યા હતા. ભાજપના રઘુ કૌટિલ્યને 29 અને લિંગરાજ પાટિલને 27 મત મળ્યા હતા, જ્યારે JD(S) ના ગોવિંદરાજુને માત્ર 14 મત મળતા તેઓ રેસમાંથી બહાર થઈ ગયા હતા. જીતવા માટે 27.63 મતોની જરૂરિયાત હતી, જેથી એલીમીનેશન રાઉન્ડમાં મતોના ટ્રાન્સફર બાદ ભાજપના લિંગરાજ પાટિલ વિજેતા જાહેર થયા હતા. આ પરિણામોએ કર્ણાટકમાં કોંગ્રેસ પક્ષની પકડ વધુ મજબૂત હોવાની સાબિતી આપી છે.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?