કર્ણાટક વિધાન પરિષદની 7 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. પરિણામોમાં કોંગ્રેસના 5 ઉમેદવારો અને ભાજપના 2 ઉમેદવારો વિજેતા બન્યા છે. જ્યારે જનતા દળ (સેક્યુલર) એટલે કે JDSના ઉમેદવારને પરાજયનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ તરફથી બી.કે. હરિપ્રસાદ, થિપ્પન્નાપ્પા કામકનૂર, પી.વી. મોહન, શિવન્ના બી.એસ. (માલવાલ્લી) અને વિનય કાર્તિક વિજેતા જાહેર થયા છે. બીજી તરફ ભાજપના લિંગરાજ પાટીલ અને રઘુ આરએ જીત મેળવી છે. JDSના ઉમેદવાર ગોવિંદરાજુ જીત મેળવી શક્યા નહોતા.


7 બેઠકો માટે 8 ઉમેદવારો મેદાનમાં હતા

આ ચૂંટણીમાં કુલ 7 બેઠકો માટે 8 ઉમેદવારો મેદાનમાં હોવાથી મતદાન કરાવવું પડ્યું હતું. કોંગ્રેસના ચાર અને ભાજપના બે ઉમેદવારોની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી હતી. મુખ્ય સ્પર્ધા કોંગ્રેસના પાંચમા ઉમેદવાર વિનય કાર્તિક અને JDSના ગોવિંદરાજુ વચ્ચે હતી. એક વિધાન પરિષદ સભ્ય (MLC) તરીકે ચૂંટાવા માટે ઉમેદવારને ઓછામાં ઓછા 28 ધારાસભ્યોના સમર્થનની જરૂર હતી. પ્રથમ પસંદગીના મતોથી સ્પષ્ટ પરિણામ ન મળતાં બીજા પસંદગીના મત મહત્વપૂર્ણ બન્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર વિનય કાર્તિકને વધુ બીજા પસંદગીના મત મળતાં તેઓ વિજેતા બન્યા.

કોંગ્રેસે તમામ 135 ધારાસભ્યોને રિસોર્ટમાં રાખ્યા હતા

ચૂંટણી પહેલા કોંગ્રેસે ક્રોસ વોટિંગ અટકાવવા માટે પોતાના તમામ 135 ધારાસભ્યોને રિસોર્ટમાં રાખ્યા હતા. મતદાનના એક દિવસ પહેલાં ધારાસભ્યો માટે મોક પોલિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રથમ વખત ચૂંટાઈ આવેલા 40 ધારાસભ્યોને પ્રેફરન્સિયલ વોટિંગ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કોંગ્રેસને આશંકા હતી કે JDS નેતૃત્વ તેમના ધારાસભ્યોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે. તેથી તમામ ધારાસભ્યોને એકસાથે રાખી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ પરિણામો કર્ણાટકમાં કોંગ્રેસની મજબૂત રાજકીય સ્થિતિને વધુ મજબૂત બનાવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : NEET પરીક્ષા માટે પશ્ચિમ રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેનો, અમદાવાદ-મુંબઈ સહિત ત્રણ રૂટ પર સેવા શરૂ થશે



  • Follow us on: