21 જૂનના રોજ યોજાનારી NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ઉમેદવારોની સુવિધા માટે ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધતી મુસાફરીની માગને ધ્યાનમાં રાખીને અમદાવાદ-મુંબઈ, ઓખા-ગાંધીનગર અને ભાવનગર-ગાંધીગ્રામ રૂટ પર ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, NEET-UG 2026માં ભાગ લેતા ઉમેદવારો માટે 20 અને 21 જૂનના રોજ ત્રણ જોડી એટલે કે કુલ 6 સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. આ ટ્રેનો ખાસ ભાડા પર ઉપલબ્ધ રહેશે.
જાણી લો ટ્રેનોનું ટાઈમટેબલ
1. મણિનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ (09472/09471)
આ ટ્રેન 20 જૂનના રોજ સવારે 8:30 વાગ્યે મણિનગરથી રવાના થઈ 6:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. પરત તે જ દિવસે રાત્રે 9:15 વાગ્યે બાંદ્રાથી રવાના થઈ 21 જૂને સવારે 6 વાગ્યે મણિનગર પહોંચશે. આ ટ્રેન આણંદ, સુરત, વડોદરા, વાપી સહિતના સ્ટેશનો પર રોકાશે.
2. ઓખા-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ (09554/09553)
આ ટ્રેન ઓખાથી સવારે 5 વાગ્યે રવાના થઈ તે જ દિવસે બપોરે 3 વાગ્યે ગાંધીનગર પહોંચશે. વાપસીમાં 21 જૂને રાત્રે 8:55 વાગ્યે ગાંધીનગરથી રવાના થઈ 22 જૂને સવારે ઓખા પહોંચશે. આ ટ્રેન દ્વારકા, જામનગર, રાજકોટ સહિતના સ્ટેશનો પર રોકાશે.
3. ભાવનગર ટર્મિનસ-ગાંધીગ્રામ સ્પેશિયલ (09254/09253)
આ ટ્રેન 20 જૂને સવારે 11:40 વાગ્યે ભાવનગરથી રવાના થઈ બપોરે 4:10 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. પરત તે 21 જૂને રાત્રે 8 વાગ્યે ગાંધીગ્રામથી રવાના થઈ 22 જૂને વહેલી સવારે ભાવનગર પહોંચશે. આ ટ્રેન બોટાદ, ધંધુકા, ધોલકા સહિતના સ્ટેશનો પર રોકાશે.
રેલવે મુજબ, આ તમામ ટ્રેનોમાં સ્લીપર અને જનરલ કોચ રહેશે. બુકિંગ 19 જૂન 2026થી શરૂ થશે અને મુસાફરો PRS કાઉન્ટર તેમજ IRCTC વેબસાઈટ પરથી ટિકિટ બુક કરી શકશે. પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું છે કે આ ખાસ વ્યવસ્થા NEET ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદરૂપ થશે.
આ પણ વાંચો : Ebola Case : કેરલમમાં મળ્યો ઈબોલા વાયરસનો 1 શંકાસ્પદ કેસ, સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ પર