કેરલમમાં ઈબોલા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. દક્ષિણ સુદાનથી પરત આવેલી એક મહિલામાં ઈબોલા જેવા લક્ષણો દેખાતા તેને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. હાલ મહિલાની સારવાર અને તપાસ ચાલી રહી છે અને લેબ રિપોર્ટ બાદ જ સંક્રમણની પુષ્ટિ થશે.
શરૂઆતમાં તાવ સહિતના લક્ષણો જોવા મળ્યા
કેરલમ આરોગ્ય વિભાગ મુજબ, 18 જૂને દક્ષિણ સુદાનથી પરત આવેલી આ મહિલામાં શરૂઆતમાં તાવ સહિતના લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ તેને કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને કડક દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. આરોગ્ય મંત્રી કે. મુરલીધરનના જણાવ્યા અનુસાર પ્રારંભિક તપાસમાં ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ તમામ ટેસ્ટના પરિણામોની રાહ જોવાઈ રહી છે. આરોગ્ય વિભાગે મહિલાના સંપર્કમાં આવેલા લોકોની યાદી તૈયાર કરી છે અને સમગ્ર વિસ્તારમાં મોનિટરિંગ પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે.
માહિતી મુજબ, મહિલા પહેલા એક ખાનગી હોસ્પિટલમાં તાવની ફરિયાદ સાથે ગઈ હતી. તેની મુસાફરીની વિગતો તપાસવામાં આવતા જાણવા મળ્યું કે તે તાજેતરમાં સુદાનથી પરત આવી હતી. ત્યારબાદ તેને કોઝિકોડ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવી હતી.
દેશમાં અત્યાર સુધી ઈબોલાનો કોઈ પુષ્ટિ થયેલો કેસ નોંધાયો નથી
વિશ્વના કેટલાક આફ્રિકન દેશો જેમ કે કૉંગો અને યુગાંડા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ઇબોલાના કેસ નોંધાયા છે. આ વાયરસને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા ગંભીર જાહેર આરોગ્ય ઇમરજન્સી તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં અત્યાર સુધી ઇબોલાનો કોઈ પુષ્ટિ થયેલો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગ વિદેશથી આવતા પ્રવાસીઓ પર ખાસ નજર રાખી રહ્યો છે અને લક્ષણો જણાતા તેમને તરત આઈસોલેટ કરવામાં આવે છે.
ઈબોલા એક અત્યંત ખતરનાક વાયરસ છે, જે સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહીઓના સીધા સંપર્કથી ફેલાય છે. તેના લક્ષણોમાં તાવ, ડાયરીયા અને ગંભીર તબિયત ખરાબ થવી સામેલ છે, અને સમયસર સારવાર ન મળે તો જીવલેણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : Jharkhand : રાજ્યસભા ચૂંટણીમાં NDAમાંથી પરિમલ નથવાણી અને JMMના વૈદ્યનાથ રામની જીત