કર્ણાટકના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા તાજેતરમાં જ નેતૃત્વ પરિવર્તન કરીને સિદ્ધારમૈયાના સ્થાને ડી.કે. શિવકુમારને મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. આ મોટા ફેરફારના હજુ માંડ બે દિવસ થયા છે ત્યાં જ કોંગ્રેસ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કેબિનેટ મંત્રી રામલિંગા રેડ્ડીએ શુક્રવારે અચાનક પોતાના મંત્રી પદેથી રાજીનામું ધરી દેતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હજુ પણ કોંગ્રેસ પાર્ટીમાં જ છે અને પક્ષ છોડ્યો નથી.


મનગમતો પોર્ટફોલિયો ના મળતા રાજીનામુ

મળતી માહિતી મુજબ, રામલિંગા રેડ્ડી નવી સરકારમાં મનગમતો પોર્ટફોલિયો ન મળવાના કારણે સખત નારાજ ચાલી રહ્યા હતા. મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા રેડ્ડીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૫૩ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને પક્ષમાં અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. તેઓ ભૂતકાળમાં એમ. વીરપ્પા મોઈલી અને એસ.એમ. કૃષ્ણા જેવા દિગ્ગજ મુખ્યમંત્રીઓની કેબિનેટમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. તેમણે ક્યારેય કોઈની પાસે પદ માંગ્યું નથી, પરંતુ વારંવાર તેમનું અપમાન કરવામાં આવ્યું છે, જે હવે સહન શક્તિની બહાર છે.

 કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પક્ષમાં જ રહેશે

રેડ્ડીએ વધુમાં ઉમેર્યું કે તેઓ નારાજ નથી પરંતુ માત્ર નિરાશ છે અને તેઓ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પક્ષમાં જ રહેશે. ખાસ વાત એ છે કે તેઓ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પોતાનું રાજીનામું નહીં સોંપે, પરંતુ પોતાના અંગત સચિવ મારફતે મુખ્યમંત્રી કાર્યાલય ને રાજીનામું મોકલી આપશે.

કોંગ્રેસમાં અસંતોષ યથાવત

રામલિંગા રેડ્ડી જેવા કદાવર નેતાના રાજીનામાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે કર્ણાટક કોંગ્રેસમાં અંદરખાને ભારે અસંતોષ વ્યાપેલો છે. હાઈકમાન્ડે જૂથવાદ ખતમ કરવા નેતૃત્વ બદલ્યું હતું, પરંતુ શિવકુમારના શપથગ્રહણના બે જ દિવસમાં સર્જાયેલી આ કટોકટીએ હાઈકમાન્ડની ચિંતામાં મોટો વધારો કર્યો છે.


આ પણ વાંચો----    Gujarat Latest News live : RBI એ મોટી જાહેરાત કરી, રેપો રેટ 5.25% પર યથાવત રહ્યો

  • Follow us on: