કર્ણાટક રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે વરિષ્ઠ નેતા બી.કે. હરિપ્રસાદને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC)ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ડી.કે. શિવકુમારનું સ્થાન લેશે, જેમણે બુધવારે જ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.


કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC)ના નવા અધ્યક્ષ બી.કે હરિપ્રસાદ 

કોંગ્રેસના જનરલ સેક્રેટરી (સંગઠન) કે.સી. વેણુગોપાલ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર યાદી અનુસાર, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ હરિપ્રસાદની આ નિમણૂક તાત્કાલિક અસરથી કરી છે. આ અગાઉ હરિપ્રસાદ હરિયાણામાં કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા.

વિધાન પરિષદની ચૂંટણી માટે પણ ઉમેદવાર જાહેર

નવા પ્રદેશ પ્રમુખ બનવાની સાથે જ બી.કે. હરિપ્રસાદને કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે. તેમની સાથે તિપ્પન્ના કમક્કનૂર, પી.વી. મોહન અને શિવન્ના માલાવલ્લીને પણ ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ટૂંક સમયમાં રાજ્યસભાની ૪ અને વિધાન પરિષદની ૭ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.

કોણ છે બી.કે. હરિપ્રસાદ? 

અનુભવી ઓબીસી નેતા: 71 વર્ષના બી.કે. હરિપ્રસાદ 1980ના દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ પછાત 'બિલ્લાવા' સમુદાયમાંથી આવે છે અને ઓબીસી મતદારો પર સારી પકડ ધરાવે છે.

સંસદીય અનુભવ: તેઓ ચાર વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે અને કર્ણાટકમાં ધારાસભ્ય તેમજ વિધાન પરિષદના સભ્ય (MLC) તરીકે પણ સેવા આપી છે.

હાઈકમાન્ડના નજીકના: હરિપ્રસાદને નહેરુ-ગાંધી પરિવારના અત્યંત વફાદાર માનવામાં આવે છે. તેઓ કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા 'કોંગ્રેસ વર્કિંગ કમિટી' (CWC) ના કાયમી આમંત્રિત સભ્ય છે.

વિવાદો સાથે નાતો: ગત વર્ષે આરએસએસ (RSS) વિરુદ્ધ આપેલા એક નિવેદનને કારણે તેઓ ભારે વિવાદમાં આવ્યા હતા. તેમણે સંઘને "ભારતીય તાલિબાન" અને "અંડરવર્લ્ડ" સંગઠન જેવું ગણાવ્યું હતું.


સત્તા સંભાળતા જ મુખ્યમંત્રી શિવકુમારની મોટી જાહેરાતો

  • બીજી તરફ, રાજ્યના નવા મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પદભાર ગ્રહણ કરતાની સાથે જ જનતા માટે મોટી જાહેરાતો કરી છે:
  • વિદ્યાર્થીઓ માટે મફત બસ પાસની સુવિધા.
  • રાજ્યમાં 10,000 ભારત જોડો યુવા સંઘોની સ્થાપના.
  • યુવાનોને રોજગારી આપવા માટે ખાનગી એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની શરૂઆત.

ભાજપે બદલવી પડશે રણનીતિ

કર્ણાટકમાં ડૉડ્ડાલહલ્લી કેમ્પેગૌડા શિવકુમાર (ડી.કે. શિવકુમાર) ને મુખ્યમંત્રી બનાવીને અને હરિપ્રસાદને સંગઠનની કમાન સોંપીને કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે. જાતિગત સમીકરણો અને સંગઠનાત્મક મજબૂતીના આ નવા સમીકરણને કારણે આગામી સમયમાં ભાજપ અને એનડીએ (NDA) એ પોતાની રાજકીય વ્યૂહરચનામાં મોટો ફેરફાર કરવો પડશે તે નક્કી છે.

  • Follow us on: