કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશે શનિવાર રાત્રે બેંગલુરુમાં મુસાફરોને મળતી સુવિધાઓની હકીકત જાણવા માટે અનોખી રીત અપનાવી હતી. તેમણે વેશ બદલીને સામાન્ય મુસાફર તરીકે BMTC (બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)ની બસોમાં અચાનક નિરીક્ષણ કર્યું હતું. લગભગ બે કલાક સુધી તેમણે 10થી વધુ બસોમાં સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરી અને મુસાફરોની સમસ્યાઓ જાણી હતી.
https://twitter.com/byrathi_suresh/status/2076137435646578825
એક મુસાફરે ઉતરવાનો સંકેત આપ્યો હોવા છતાં બસ રોકવામાં ના આવી
આ દરમિયાન બેદરકારી અને નિયમોના ઉલ્લંઘન બદલ મંત્રીએ BMTCની બસ નંબર KA-57 F-3372ના ડ્રાઈવર અને કંડક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 'ફન વર્લ્ડ' બસ સ્ટોપ પર એક મુસાફરે ઉતરવાનો સંકેત આપ્યો હોવા છતાં બસ રોકવામાં આવી નહોતી. મુસાફરો સાથેના આ બેદરકાર વર્તનને ગંભીરતાથી લઈને મંત્રીએ સ્થળ પર જ કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.
મંત્રીને પણ એક અસુવિધાનો સામનો કરવો પડ્યો
મુસાફરી દરમિયાન મંત્રીને પણ એક અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. હેબ્બાલથી નાગાશેટ્ટીહલ્લી રૂટ પર જતા સમયે તેમણે ભાડા માટે ₹100ની નોટ આપી હતી, પરંતુ કંડક્ટરે છૂટા પૈસા ન હોવાનું કહી તેમને બસમાંથી ઉતરી જવા જણાવ્યું હતું. આ ઉપરાંત નાગાશેટ્ટીહલ્લીમાં એક ઓટો રિક્ષા ચાલક દ્વારા મીટરમાં દર્શાવેલા ₹30ના બદલે ₹36 વસૂલવાના મામલે પણ મંત્રીએ હસ્તક્ષેપ કર્યો હતો.
સરપ્રાઈઝ ચેકિંગ આગળ પણ ચાલુ રહેશે
બાયરાથી સુરેશે જણાવ્યું કે બેંગલુરુમાં મુસાફરોનો અનુભવ સુધારવા, પરિવહન કર્મચારીઓમાં શિસ્ત લાવવા અને જવાબદારી નક્કી કરવા માટે આવા સરપ્રાઈઝ ચેકિંગ આગળ પણ ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે મુસાફરો સાથે કોઈપણ પ્રકારની બેદરકારી અથવા ગેરવર્તન સહન કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો : Uttarakhand : ભૂસ્ખલન બાદ કૈલાસ માનસરોવર યાત્રા માર્ગ ફરી શરૂ, BROએ ઝડપથી રસ્તો કર્યો ખુલ્લો