ઉત્તરાખંડમાં કૈલાસ માનસરોવર યાત્રા માર્ગ પર 10 જુલાઈએ થયેલા ભૂસ્ખલન બાદ અવરોધાયેલો રસ્તો બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા ફરી શરૂ કરવામાં આવ્યો છે. BROના 'પ્રોજેક્ટ હિરક'ની ટીમોએ સતત મહેનત કરીને કાટમાળ દૂર કર્યો અને યાત્રાળુઓ તેમજ જરૂરી વાહનવ્યવહાર માટે માર્ગને સુરક્ષિત રીતે ફરી ખુલ્લો કર્યો.

ટૂંકા સમયમાં જ રસ્તો ખુલ્લો કરી દીધો

BROએ જણાવ્યું કે ભૂસ્ખલનને કારણે વ્યૂહાત્મક સરહદી માર્ગ પર યાત્રાળુઓની અવરજવર થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી. જોકે ટીમોએ ઝડપી કામગીરી કરીને ટૂંકા સમયમાં જ રસ્તો ખુલ્લો કરી દીધો, જેના કારણે કૈલાસ માનસરોવર યાત્રા ફરી સરળતાથી શરૂ થઈ શકી. BROએ જણાવ્યું કે સરહદી વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થા જાળવવા અને લોકોની સેવા માટે સંસ્થા સતત પ્રતિબદ્ધ છે.

કૈલાસ માનસરોવર યાત્રા હિંદુ ધર્મમાં ભગવાન શિવના નિવાસસ્થાન તરીકે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ યાત્રાને જૈન અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે પણ વિશેષ ધાર્મિક મહત્વ છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય યાત્રાળુઓ માન્ય ભારતીય પાસપોર્ટ સાથે આ પવિત્ર યાત્રામાં ભાગ લે છે.

સરકાર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે 5 જુલાઈએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચંપાવત જિલ્લાના તનકપુરથી કૈલાસ માનસરોવર યાત્રા-2026ના પ્રથમ 49 યાત્રાળુઓના જથ્થાને લીલી ઝંડી બતાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કુમાઉં મંડલ વિકાસ નિગમ, જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસ સમગ્ર યાત્રા પર સતત નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ યાત્રાથી આધ્યાત્મિક પર્યટનને પ્રોત્સાહન મળશે તેમજ યાત્રાળુઓને સ્થાનિક સંસ્કૃતિ અને ઉત્પાદનોને નજીકથી જાણવાની તક મળશે.

આ પણ વાંચો : LUCC Chit Fund Scam : 18 આરોપી સામે CBIએ દાખલ કરી ચાર્જશીટ, 39 સંપત્તિઓ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ