પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોના ટોચના નેતાઓ પર આફત ઉતરી રહી હોય તેવું લાગે છે. તાજેતરના અહેવાલો મુજબ, લશ્કર-એ-તૈયબા (LeT) ના સૌથી પ્રભાવશાળી કમાન્ડરોમાંના એક અને હાફિઝ સઈદના અત્યંત નજીકના સહયોગી શેખ યુસુફ આફ્રિદીની પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી નાખી છે. આ ઘટના લશ્કરના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક નેટવર્ક માટે એક મોટો આઘાત માનવામાં આવે છે.
આતંકવાદનો વૈચારિક કરોડરજ્જુ
શેખ યુસુફ આફ્રિદી માત્ર શસ્ત્રો ચલાવનારો આતંકવાદી નહોતો, પરંતુ તે લશ્કર-એ-તૈયબાની વ્યૂહરચના અને વિચારધારાનો મુખ્ય સ્તંભ હતો. ખૈબર પ્રદેશના પ્રખ્યાત આફ્રિદી સંપ્રદાયમાંથી આવતો આફ્રિદી એક કટ્ટરપંથી મૌલવી હતો. તે ઇસ્લામની સલાફી (અહલે-હદીસ) વિચારધારાનો ચુસ્ત અનુયાયી હતો. તેની આ આદિવાસી પૃષ્ઠભૂમિ અને ધાર્મિક પકડને કારણે જ લશ્કર સુપ્રીમો હાફિઝ સઈદ તેના પર આંધળો વિશ્વાસ મૂકતો હતો. તેણે વર્ષો સુધી ખૈબર પખ્તુનખ્વામાં લશ્કરની શાખાના વડા તરીકે કામ કર્યું હતું.
ભારત વિરોધી પ્રવૃત્તિઓનો માસ્ટર માઇન્ડ
ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, યુસુફ આફ્રિદી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનું આયોજન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. તે સરહદ પારથી ઘૂસણખોરીના માર્ગો નક્કી કરવામાં અને આતંકવાદીઓને લોજિસ્ટિક્સ પૂરી પાડવામાં માહેર હતો. તેનું મુખ્ય કામ કાશ્મીરના યુવાનોને કટ્ટરપંથી બનાવી તેમને ભારત સામે હુમલા કરવા માટે તૈયાર કરવાનું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘાટીમાં થયેલા અનેક મોટા હુમલાઓ પાછળ તેનું મગજ કામ કરતું હતું.
2026: આતંકવાદીઓ માટે કાળચક્ર
વર્ષ 2026 આતંકવાદી સંગઠનો માટે 'અંધકારનું વર્ષ' સાબિત થઈ રહ્યું છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના 30 થી વધુ ટોચના કમાન્ડરો માર્યા ગયા છે. લાહોર, કરાચી અને બલુચિસ્તાન જેવા વિસ્તારોમાં આતંકવાદી નેતાઓની એક પછી એક હત્યાઓ થઈ રહી છે. પાકિસ્તાની સત્તાવાળાઓ આ મામલે મૌન છે, પરંતુ નિષ્ણાતો તેને આંતરિક જૂથબંધી અથવા કોઈ ગુપ્ત મિશનનું પરિણામ માની રહ્યા છે.
આ પણ વાંચોઃ Earthquake in Japan: હોક્કાઇડોમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા