વિશ્વના સૌથી વધુ ભૂકંપ પ્રભાવી દેશોમાંના એક એવા જાપાનમાં ફરી એકવાર ધરતી ધ્રુજી ઉઠી છે. સોમવારે વહેલી સવારે જ્યારે લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા, ત્યારે ઉત્તર જાપાનમાં આવેલા તીવ્ર ભૂકંપના આંચકાએ ભારે ગભરાટ ફેલાવ્યો હતો. આ કુદરતી આફતની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી છે. જોકે, સદનસીબે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ કે માલહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
ભૂકંપનું કેન્દ્ર અને ઊંડાઈ
યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (USGS) ના અહેવાલ મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર ઉત્તર જાપાનના હોક્કાઇડો ટાપુ પર સ્થિત સારાબેત્સુ નામના નાના શહેરથી લગભગ 18 કિલોમીટર પશ્ચિમમાં હતું. જમીનથી આશરે 81 કિલોમીટરની ઊંડાઈએ ઉદ્ભવેલા આ ભૂકંપના આંચકા ઘણા મોટા વિસ્તારમાં અનુભવાયા હતા. ઊંડાઈ વધુ હોવાને કારણે સંભવિત વિનાશમાં ઘટાડો થયો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
ઘરો છોડીને ભાગ્યા લોકો
સોમવારે વહેલી સવારે 5:24 વાગ્યે જ્યારે ભૂકંપ આવ્યો, ત્યારે તેની અસર એટલી પ્રબળ હતી કે લોકોના ઘરમાં રાખેલી વસ્તુઓ નીચે પડવા લાગી હતી. ઊંઘમાંથી અચાનક જાગી ગયેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને પોતાની જિંદગી બચાવવા માટે સેંકડો લોકો ઘર અને એપાર્ટમેન્ટ્સ છોડીને ખુલ્લા મેદાનમાં કે રસ્તાઓ પર દોડી આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આંચકા એટલા જોરદાર હતા કે સ્થિર ઊભા રહેવામાં પણ મુશ્કેલી પડતી હતી.
સુનામીનો ખતરો ટળ્યો
ભૂકંપ બાદ તરત જ જાપાનની હવામાન એજન્સી (JMA) સક્રિય થઈ ગઈ હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે સૌથી મોટી ચિંતા સુનામીની હોય છે, પરંતુ આ વખતે રાહતના સમાચાર એ રહ્યા કે સત્તાવાળાઓએ સુનામીની કોઈ ચેતવણી જારી કરી નથી. દરિયાના સ્તરમાં કોઈ અસામાન્ય ફેરફાર નોંધાયો નથી, જેનાથી વહીવટીતંત્ર અને પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે.
જાપાન પર તોળાઈ રહેલું જોખમ
નોંધનીય છે કે ગયા સોમવારે પણ ઉત્તર જાપાનમાં 7.7ની તીવ્રતાનો અત્યંત વિનાશક કહી શકાય તેવો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામીની ચેતવણી પણ આપવામાં આવી હતી. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જાપાન 'પેસિફિક રિંગ ઓફ ફાયર' પર સ્થિત હોવાથી ત્યાં 'મેગાક્વેક' આવવાનું જોખમ હંમેશા રહેલું છે. હાલમાં તમામ ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Strait of Hormuz: ઇરાન હોર્મુઝ ખોલવા માટે થયું સંમત, અમેરિકા સામે મૂકી અટપટી શરત!