ખુશી કોઈ મોટી સફળતા કે વસ્તુની રાહ જોવામાં નથી હોતી, પરંતુ દિવસ દરમિયાન મળતી નાની-નાની ક્ષણો જેમ કે સવારની એક કપ ચા, પ્રિયજનો સાથેનું હાસ્ય કે કુદરતનું સૌંદર્યતેમાં જ ખરી ખુશી છુપાયેલી હોય છે.ખુશી માટે તમારૂં પોતાનું વ્યક્તિ કોઇ કંઇ પણ કરી શકે છે. બસ આવું જ કઇંક કરી રહ્યુ છે કેરળ...લોકોની ખુશી માટે કેરળ સરકાર હેપ્પીનેસ વિભાગ બનાવવા જઇ રહ્યો છે.
નવા વિભાગનું નામ રખાશે 'આનંદમ'
દુનિયાભરમાં આર્થિક પ્રગતિ માટે જીડીપી (GDP) ને મુખ્ય માપદંડ ગણવામાં આવે છે, પરંતુ હવે રાજ્યો અને દેશો જનતાના માનસિક સ્વાસ્થ્ય અને ખુશી પર પણ ધ્યાન આપી રહ્યા છે. આ દિશામાં એક ઐતિહાસિક પગલું ભરતા કેરળની કોંગ્રેસ ગઠબંધનની સરકારે રાજ્યમાં એક ખાસ 'ખુશી વિભાગ' (Happiness Department) સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા અહેવાલો અનુસાર, કેરળ સરકાર આ નવા વિભાગનું નામ 'આનંદમ' રાખવાની યોજના બનાવી રહી છે.
ભૂટાનના મોડેલથી પ્રેરણા
આ વિચારની શરૂઆત સૌપ્રથમ ૧૯૭૨માં ભૂટાનના ચોથા રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકે કરી હતી, જેમણે 'ગ્રોસ નેશનલ હેપ્પીનેસ' (GNH) ઇન્ડેક્સની કલ્પના રજૂ કરી હતી. હવે આ જ વૈશ્વિક મોડેલને ભારતમાં અપનાવતા કેરળ સરકાર 'હેપ્પીનેસ વિભાગ' શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
સ્થાનિક સ્વરાજ્ય મંત્રાલય હેઠળ કાર્ય કરશે
આ નવો વિભાગ સ્થાનિક સ્વરાજ્ય મંત્રાલય હેઠળ કાર્ય કરશે. સ્થાનિક સ્વરાજ્ય મંત્રી કે.એમ. શાજીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વિભાગનું મુખ્ય લક્ષ્ય લોકોના જીવનમાં ખુશી ફેલાવવાનું, સામાજિક સુખાકારીને પ્રોત્સાહન આપવાનું અને રાજ્યમાં લાગુ થનારી નવી કલ્યાણકારી તથા વિકાસ યોજનાઓની જનતાના સુખ પર કેવી અસર પડે છે તેનું મૂલ્યાંકન કરવાનું રહેશે.
શું હશે વિભાગના મુખ્ય કાર્યો?
મંત્રીએ સ્પષ્ટ કર્યું કે માનવતાનું અંતિમ લક્ષ્ય જીવનમાં ખુશી અને શાંતિ મેળવવાનું છે, અને માત્ર આર્થિક આંકડાઓથી પ્રગતિ માપી શકાતી નથી. 'આનંદમ' વિભાગ માત્ર કાગળ પરની યોજનાઓ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ જમીની સ્તરે કામ કરશે:
ગામડાઓ અને શહેરોમાં પંચાયતો તથા સ્થાનિક સંસ્થાઓના માધ્યમથી "સુખ કેન્દ્રો" (Happiness Centers) બનાવવામાં આવશે.
આ કેન્દ્રો પર લોકો એકબીજાને મળી શકે, વાર્તાલાપ કરી શકે અને સામાજિક જોડાણ મજબૂત કરી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરવામાં આવશે.
સામાજિક-રાજકીય નિષ્ણાતોની મિશ્ર પ્રતિક્રિયાઓ
સરકારની આ જાહેરાત બાદ સામાજિક અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એમજી યુનિવર્સિટીના સોશિયલ સાયન્સ સ્કૂલના ડિરેક્ટર દિનેશન વી.નું માનવું છે કે માત્ર સરકારી કાગળકામથી લોકોના જીવનમાં ખુશી નથી આવતી, તેના માટે હાલની સામાજિક વ્યવસ્થાઓમાં સુધારો કરવો જરૂરી છે. જ્યારે રાજકીય નિષ્ણાત સજ્જાદ ઇબ્રાહિમના મતે, આવા ઉપરી પગલાંની સામાન્ય જનતા પર ખાસ મોટી અસર થવાની શક્યતા ઓછી છે. તેમ છતાં, કેરળ સરકારની આ અનોખી પહેલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચોઃ Beauty Treatment : શું સુંદર દેખાવા માટે પાકિસ્તાની મહિલાઓ જઇ રહી છે તુર્કીયે, જાણો શું છે તર્કીશ ટ્રીટમેન્ટનું રહસ્ય