પુણેના જાણીતા રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ કેતન અગ્રવાલ હત્યા કેસમાં રોજ નવા અને ચોંકાવનારા વળાંકો આવી રહ્યા છે. એક તરફ પોલીસ આ હત્યાના રહસ્યને ઉકેલવા માટે આધુનિક ફોરેન્સિક ટેકનોલોજીનો સહારો લઈ રહી છે, તો બીજી તરફ કોર્ટરૂમની બહાર એક મોટો કાનૂની વિવાદ ઊભો થયો છે. એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવે મુખ્ય આરોપી સિયા ગોયલના ભાઈ સાહિલ ગોયલને ૧૦ કરોડ રૂપિયાની માનહાનિની કાનૂની નોટિસ ફટકારીને ખળભળાટ મચાવી દીધો છે.
વ્યાવસાયિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા વકીલે મોકલી નોટિસ
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે વડગાંવ માવલ કોર્ટમાં સુનાવણી દરમિયાન સિયા ગોયલે અચાનક એવું નિવેદન આપ્યું કે આશુતોષ શ્રીવાસ્તવ તેના વકીલ નથી. આ નિવેદનથી નારાજ વકીલ શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો છે કે સાહિલ ગોયલે તેમની સામે પાયાવિહોણા આરોપો લગાવીને તેમની વ્યાવસાયિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે. નોટિસમાં તેમણે તાત્કાલિક માફી માંગવા અને 10 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. હવે સૌની નજર સાહિલ ગોયલના જવાબ પર છે.
3 જુલાઇ સુધી રિમાન્ડ લંબાવાયા
બીજી તરફ, પોલીસે તપાસમાં ગતિ લાવી છે. કોર્ટે મુખ્ય આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીના રિમાન્ડ ૩ જુલાઈ સુધી લંબાવ્યા છે. પોલીસ હવે આરોપી ચેતન ચૌધરીનું 'ગેટ એનાલિસિસ' (ચાલનું વૈજ્ઞાનિક વિશ્લેષણ) કરાવશે. તપાસમાં જાણવા મળ્યું છે કે ૧૮ જૂને લોહાગઢ કિલ્લાના સીસીટીવી ફૂટેજમાં એક હૂડી અને માસ્ક પહેરેલો વ્યક્તિ જોવા મળ્યો હતો, જેણે ટિકિટ પણ લીધી ન હતી. તેનો ચહેરો સ્પષ્ટ ન હોવાથી પોલીસ હવે ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી ચેતનની શરીરની મુદ્રા, ચાલવાની લંબાઈ અને ગતિવિધિઓની સરખામણી તે શંકાસ્પદ વ્યક્તિ સાથે કરશે.
હજુ ઘણા પાસાઓ ઉકેલવાના બાકી
પોલીસ માટે આ કેસમાં હજુ ઘણા મહત્વના પાસાઓ ઉકેલવાના બાકી છે. જેમાં ઘટનાના ચોક્કસ સ્થળનું પુનર્નિર્માણ, ગુનામાં વપરાયેલા હથિયારો કે પુરાવાઓની શોધ અને મૃતક કેતન અગ્રવાલનો ગુમ થયેલો પાસપોર્ટ શોધવો એ મુખ્ય અગ્રતા છે. જોકે આરોપીઓએ કિલ્લામાં હાજર હોવાની વાત સ્વીકારી છે, પરંતુ પોલીસ કોઈ પણ કચાશ રાખવા માંગતી નથી અને નક્કર વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે કોર્ટમાં મજબૂત કેસ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ કેસ હવે કાનૂની લડાઈ અને ફોરેન્સિક તપાસ એમ બંને મોરચે અત્યંત નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ Business Idea: 1 પણ રૂપિયાનું રોકણ નહીં અને મહિને કરો લાખોની કમાણી, જાણો કેવી રીતે?