મહારાષ્ટ્રના પુણે ખાતે બનેલી કેતન અગ્રવાલની ઘટનાએ માત્ર તેમના પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને હચમચાવી દીધો છે. 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના જીવનનો અંત લોહાગઢ કિલ્લાની ઊંડી ખીણમાં થયો, જેને શરૂઆતમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત ગણવામાં આવતો હતો. પરંતુ જેમ જેમ તપાસના તાર જોડાયા, તેમ તેમ એક પછી એક એવી વિગતો બહાર આવી જેણે સાબિત કર્યું કે આ અકસ્માત નથી, પરંતુ ઠંડા કલેજે આયોજિત કરેલી એક હત્યા છે.


જયપુરના સપના અને લોહાગઢનું મોત

કેતન અને તેની મંગેતર સિયા ગોયલના લગ્ન આવતા મહિને જયપુરના એક શાહી મહેલમાં યોજાવાના હતા. લગ્નની તૈયારીઓ પુરજોશમાં હતી; મહેમાનોની અવરજવર માટે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા થઈ ચૂકી હતી. સમગ્ર પરિવાર આ માંગલિક પ્રસંગની ઉજવણી માટે આતુર હતો. સિયાના જન્મદિવસને ખાસ બનાવવા માટે બંનેએ લોહાગઢ કિલ્લાની ટ્રેકિંગ ટ્રિપનું આયોજન કર્યું હતું. કોને ખબર હતી કે 18 જૂનનો એ દિવસ કેતન માટે જીવનનો છેલ્લો દિવસ સાબિત થશે.

પરિવારની શંકા અને સિયાનું અસંવેદનશીલ વર્તન

કેતનના પિતા વિશાલ અગ્રવાલ અને અન્ય સ્વજનોએ શરૂઆતથી જ આ ઘટના પર અવિશ્વાસ દર્શાવ્યો હતો. પરિવારનું કહેવું છે કે, સિયાનું વર્તન ઘટનાના પહેલા દિવસથી જ શંકાસ્પદ હતું. જ્યારે કેતનનો મૃતદેહ પરિવાર સામે હતો, ત્યારે સિયાના ચહેરા પર શોકનો ભાવ તો દૂર, આંસુ પણ નહોતા. તેની આંખોમાં કોઈ અફસોસની લકીર નહોતી, જે એક મંગેતર માટે અત્યંત અકુદરતી બાબત હતી. આ અસામાન્ય વર્તને પરિવારની શંકાને વધુ મજબૂત બનાવી હતી.

14 જૂનનો નિષ્ફળ પ્રયાસ અને "સાપ" નું બહાનું

તપાસમાં સૌથી સનસનાટીભર્યો ખુલાસો એ થયો કે સિયાએ કેતનને મારવાનો પહેલો પ્રયાસ 18 જૂનના ચાર દિવસ પહેલા એટલે કે 14 જૂને જ કર્યો હતો. તે દિવસે બંને એકલા લોહાગઢ ગયા હતા. સિયાએ કેતનને પાછળથી ધક્કો માર્યો હતો, પરંતુ કેતન ભાગ્યશાળી હતો કે તેનો હાથ ઝાડીઓમાં ફસાઈ ગયો અને તે ખીણમાં પડતા બચી ગયો. કેતનને તે ક્ષણે જ સમજાઈ ગયું હતું કે તેની મંગેતર તેની પાછળ કંઈક ખરાબ ઇરાદો ધરાવે છે. પરંતુ, પરિસ્થિતિને સંભાળવા અને પોતાનો બચાવ કરવા માટે સિયાએ તરત જ "સાપ, સાપ...!" એવી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. તેણે એવી રીતે ડરનું નાટક કર્યું કે જાણે કેતનને સાપથી બચાવવા માટે તેણે તેને ધક્કો માર્યો હોય. તે દિવસે તો સિયા કાવતરામાં બચી ગઈ, પરંતુ 18 જૂનના રોજ તેણે પોતાની યોજના સફળ બનાવી દીધી.

ડિજિટલ પુરાવાઓએ ખોલી પોલ

પોલીસની તપાસમાં માત્ર સિયા જ નહીં, તેનો પ્રેમી ચેતન ચૌધરી પણ શંકાના દાયરામાં આવ્યો છે. છ મહિનામાં થયેલા 2004 કોલ્સ અને 238 કલાકની વાતચીત કોઈ સામાન્ય સંબંધ હોઈ શકે નહીં. સૌથી મહત્વનો પુરાવો એ છે કે ઘટનાના દિવસે ચેતને પોતાનો ફોન દુકાનમાં છોડી દીધો હતો જેથી તેનું લોકેશન ટ્રેસ ન થાય, પરંતુ તેણે જે કર્મચારીના ફોનનો ઉપયોગ કર્યો, તેની ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ જ પોલીસ માટે મુખ્ય કડી બની ગઈ.

પરિવારને ન્યાયની અપેક્ષા

આજે જે ઘર લગ્નની શરણાઈઓથી ગુંજવાનું હતું, ત્યાં માત્ર સન્નાટો છે. કેતનના પરિવારનો એક જ સૂર છે કે દીકરાના હત્યારાઓને એવી સજા મળે કે ફરી ક્યારેય કોઈ આવું ક્રૂર પગલું ભરવાની હિંમત ન કરે. શું સિયા ખરેખર પ્રેમના નામે કેતનની હત્યારી છે? કે પછી તે પણ કોઈ મોટા કાવતરાનો ભાગ છે? આ સવાલોના જવાબ હવે કાયદાની કલમો અને કોર્ટની કાર્યવાહીમાં મળશે. સમગ્ર ઘટનાએ સાબિત કર્યું છે કે ક્યારેક સૌથી નજીકના વ્યક્તિના હાથમાં જ આપણા મોતની રેખા લખાયેલી હોય છે.

આ પણ વાંચોઃ Ketan Agrawal Death: 2004 કોલ,238 કલાકની વાતચીતે સિયાના પાપનો કર્યો પર્દાફાશ, વાંચો Inside Story


  • Follow us on: