સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે જમ્મુની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લીધી છે અને તાજેત્તરમાં કિશ્તવાડમાં બનેલી વાદળ ફાટવાની ઘટનામાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી છે. તેમને કહ્યું કે વડાપ્રધાન મોદી કિશ્તવાડની સ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છે.


ભુસ્ખલનના કારણે હું ગામની મુલાકાત ના કરી શક્યો

વધુમાં રાજનાથસિંહે કહ્યું કે વડાપ્રધાન મોદી ખુબ જ ચિંતિત છે. તેમને કહ્યું કે મેં ઘટનાસ્થળનો પ્રવાસ કરવાની યોજના બનાવી હતી પણ ખરાબ હવામાન અને ભુસ્ખલનના કારણે આ સંભવ ના થઈ શક્યું. સંરક્ષણપ્રધાને કહ્યું કે તેના વિકલ્પ તરીકે તે રાજભવનથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રભાવિત લોકો સાથે વાતચીત કરશે. તેમને કહ્યું કે અધિકારીઓ વાદળ ફાટવાની ઘટનાથી પ્રભાવિત લોકો માટે રાહત અને સહાય પહોંચાડવા માટે સમન્વય કરી રહ્યા છે. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કિશ્તવાડમાં તાજેત્તરમાં વાદળ ફાટવાની ઘટનાના પીડિતોને મળવા માટે જમ્મૂની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલની મુલાકાત લીધી. તેમને ટ્વીટર પર પોસ્ટ કરીને જાણકારી આપતા કહ્યું કે હું અહીં ઘાયલોને મળવા આવ્યો હતો. હું કિશ્તવાડના ચિશોતી ગામ જવા ઈચ્છતો હતો પણ ભુસ્ખલનના કારણે તે શક્ય ના બની શક્યું.

ચિશોતીમાં વાદળ ફાટવાની ઘટનામાં 65 લોકોના મોત

જમ્મુ એરપોર્ટ પર તેમના સ્વાગત બાદ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહ તેમની સાથે હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં 16 ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે, જેમની સ્થિતિ પર ડોક્ટરોએ વિસ્તારથી જાણકારી આપી છે. રાજનાથસિંહે કહ્યું કે તે રાજભવનમાં અધિકારીઓની સાથે બેઠક કરશે. જેમાં કિશ્તવાડના સ્થાનિક તંત્રને વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કિશ્તવાડના ચિશોતીમાં વાદળ ફાટવાની ઘટનામાં 65 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે 32 લોકો હજુ પણ ગુમ છે. 

  • Follow us on: