સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત ધીમે ધીમે રશિયા પરની તેની નિર્ભરતા ઘટાડી રહ્યું છે અને પશ્ચિમી દેશો પાસેથી વધુ શસ્ત્રો ખરીદી રહ્યું છે. રિપોર્ટમાંથી 10 સૌથી મોટા પાસાં અહીં વાંચો.

તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા SIPRI અહેવાલ (2021-25) મુજબ, વૈશ્વિક શસ્ત્રોના વેપારમાં ભારત અને પાકિસ્તાન બંનેની સક્રિયતા વધી છે, પરંતુ બંનેની વ્યૂહરચનામાં મોટો તફાવત જોવા મળ્યો છે.

અહેવાલના મુખ્ય 10 મુદ્દાઓ 

1. ભારત બીજા ક્રમે: વર્ષ 2021 થી 2025 દરમિયાન ભારત વિશ્વનો બીજો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ રહ્યો છે, જે વૈશ્વિક સ્તરે કુલ 8.2% હિસ્સો ધરાવે છે.

2. પાકિસ્તાનની એન્ટ્રી: પાકિસ્તાન તેની શસ્ત્ર ખરીદીમાં 66% ના જંગી વધારા સાથે વિશ્વના ટોચના 5 આયાતકાર દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે.

3. રશિયાથી વધતું અંતર: ભારતની રશિયા પરની નિર્ભરતામાં મોટો ઘટાડો થયો છે. 2011-15 માં રશિયાનો હિસ્સો 70% હતો, જે 2021-25 માં ઘટીને માત્ર 40% રહી ગયો છે.

4. પશ્ચિમી દેશો તરફ ઝુકાવ: ભારતે તેની શસ્ત્ર ખરીદી નીતિમાં ફેરફાર કરીને ફ્રાન્સ, ઈઝરાયેલ અને અમેરિકા જેવા પશ્ચિમી દેશો પાસેથી અત્યાધુનિક હથિયારો ખરીદવાનું શરૂ કર્યું છે.

5. આત્મનિર્ભર ભારતની અસર: ભારતની કુલ શસ્ત્ર આયાતમાં 4% નો ઘટાડો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ ભારતની પોતાની શસ્ત્ર ડિઝાઇન અને ઉત્પાદન ક્ષમતામાં થયેલો વધારો છે.

6. પાકિસ્તાન-ચીન ગઠબંધન: પાકિસ્તાનના લશ્કરી હથિયારોનો લગભગ 80% હિસ્સો હવે સીધો ચીન પાસેથી આવે છે, જે બંને દેશો વચ્ચેના ગાઢ સૈન્ય સંબંધો દર્શાવે છે.

7. અમેરિકાનો દબદબો: વૈશ્વિક સ્તરે અમેરિકા 42% હિસ્સા સાથે વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર નિકાસકાર દેશ રહ્યો છે. જ્યારે રશિયાનો નિકાસ હિસ્સો 21% થી ઘટીને માત્ર 6.8% થઈ ગયો છે.

8. ટોચના 5 ખરીદદારો: વિશ્વમાં શસ્ત્રો ખરીદનારા મુખ્ય દેશોમાં યુક્રેન (યુદ્ધને કારણે પ્રથમ), ભારત, સાઉદી અરેબિયા, કતાર અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે.

9. યુરોપનું બદલાતું ચિત્ર: યુક્રેન યુદ્ધને કારણે 1960 ના દાયકા પછી પહેલીવાર યુરોપ વિશ્વમાં શસ્ત્રોની આયાત કરતો સૌથી મોટો પ્રદેશ (33%) બની ગયો છે.

10. ચીનની નવી વ્યૂહરચના: ચીન હવે ટોપ-10 આયાતકારોની યાદીમાંથી બહાર થઈ ગયું છે. તેની આયાતમાં 72% નો ઘટાડો થયો છે કારણ કે તે હવે રશિયન ટેકનોલોજીને પોતાની સ્વદેશી ટેકનોલોજીથી બદલી રહ્યું છે.

આ પણ વાંચોઃ  Strait of Hormuz: ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન જોખમમાં, અત્યાર સુધીમાં 10 જહાજો પર હુમલો, રિપોર્ટમાં ખુલાસો