પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ હવે દરિયાઈ માર્ગો પર આતંક મચાવી રહ્યું છે. વિશ્વના સૌથી વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં છેલ્લા એક અઠવાડિયામાં પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા સંઘર્ષ બાદ આ માર્ગ પર અત્યાર સુધીમાં 10 વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

7 લોકોના મોત

ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) ના તાજેતરના અહેવાલ મુજબ, માત્ર એક જ અઠવાડિયામાં થયેલા નવ હુમલાઓમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. ૨ માર્ચે "સ્કાયલાઇટ," "એમકેડી વ્યોમ," અને "સ્ટેના ઇમ્પેરેટિવ" પર થયેલા હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. ત્યારબાદ ૬ માર્ચે "મુસાફાહ ૨" નામના જહાજ પર થયેલા મિસાઈલ હુમલામાં વધુ ચાર લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. આ હુમલાઓના ડરને કારણે આ જળમાર્ગ પર ટેન્કર ટ્રાફિકમાં 90 ટકાનો ઘટાડો નોંધાયો છે.

બચાવ ટીમો પણ સુરક્ષિત નથી

આ યુદ્ધની સૌથી ભયાનક બાબત એ છે કે હવે મદદ કરવા આવતા જહાજોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સુરક્ષા કંપની 'વેનગાર્ડ' ના જણાવ્યા અનુસાર, "મુસાફાહ ૨" જહાજ જ્યારે અગાઉ હુમલાનો ભોગ બનેલા "સફિન પ્રેસ્ટિજ" ને મદદ કરવા જઈ રહ્યું હતું, ત્યારે તેના પર બે મિસાઈલો છોડવામાં આવી હતી. સંયુક્ત દરિયાઈ માહિતી કેન્દ્ર (JMIC) એ ચેતવણી આપી છે કે હુમલાખોરોનો ઉદ્દેશ્ય જહાજો ડૂબાડવા કરતા દરિયાઈ વેપારમાં અનિશ્ચિતતા અને ભય ફેલાવવાનો વધુ જણાય છે.

ઇન્ડોનેશિયન ક્રૂ મેમ્બર ગુમ

રવિવાર, 8 માર્ચના રોજ ઇન્ડોનેશિયા સરકારે અહેવાલ આપ્યો છે કે "મુસાફાહ ૨" જેવું જ એક જહાજ ડૂબી જવાથી તેમના ત્રણ ક્રૂ મેમ્બર ગુમ થયા છે. આ જહાજમાંથી પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં એક ગંભીર રીતે ઘાયલ છે. દરિયાઈ ટ્રાફિક ડેટા દર્શાવે છે કે સોમવારથી અત્યાર સુધી માત્ર નવ જહાજો જ આ સામુદ્રધુનીમાંથી પસાર થવાની હિંમત કરી શક્યા છે, અને તે પણ પોતાની ઓળખ છુપાવીને મુસાફરી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Iran નો બહેરીનની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર હુમલો, ગલ્ફ દેશો હાઈ-એલર્ટ પર!