પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે દસમા દિવસમાં પ્રવેશી ગયો છે અને તે વધુ વિનાશક બની રહ્યો છે. અમેરિકા અને ઈઝરાયેલના સતત હુમલાઓથી રોષે ભરાયેલા ઈરાને હવે ગલ્ફ દેશોમાં આવેલા વ્યૂહાત્મક ઠેકાણાઓ અને તેલના ભંડારોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.
બહેરીનમાં ડ્રોન હુમલો
બહેરીનમાં યુદ્ધ શરૂ થયા પછીનો આ સૌથી મોટો હુમલો નોંધાયો છે. ઈરાની ડ્રોન હુમલામાં બહેરીનની સૌથી મોટી તેલ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી હતી. બહેરીનના આરોગ્ય મંત્રાલય અનુસાર, આ હુમલામાં બે મહિનાના બાળક સહિત 32 નાગરિકો ઘાયલ થયા છે. અત્યાર સુધીમાં ગલ્ફ ક્ષેત્રમાં કુલ 10 લોકોના મોત થયા છે, જેમાં સુરક્ષા કર્મચારીઓ અને વિદેશી કામદારોનો સમાવેશ થાય છે.
સાઉદી અરેબિયા અને અન્ય દેશો પર ખતરો
સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે શાયબાહ તેલ ક્ષેત્ર તરફ આવી રહેલા એક આત્મઘાતી ડ્રોનને હવામાં જ તોડી પાડ્યું છે. સદનસીબે, આ ઘટનામાં તેલ ક્ષેત્રને કોઈ નુકસાન થયું નથી. આ ઉપરાંત કતાર, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાતમાં પણ રાત્રિ દરમિયાન હુમલાના અહેવાલો મળ્યા છે.
અમેરિકાનું કડક વલણ અને ભારતની નજર
અમેરિકન દૂતાવાસ પર થયેલા હુમલા બાદ યુએસ સરકારે તેના બિન-જરૂરી કર્મચારીઓને તાત્કાલિક દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણને કારણે આ સંઘર્ષ હવે વૈશ્વિક રાજકીય કટોકટીમાં ફેરવાઈ રહ્યો હોય તેવું જણાય છે. બીજી તરફ, ભારત સરકારે પણ આ બદલાતી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને ભારતીયોની સુરક્ષા માટે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.
ઈરાન અમેરિકાને આપી અંતિમ ચેતવણી
ઈરાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઈઝરાયેલ અને અમેરિકા તેના ઠેકાણાઓ પર હુમલા કરવાનું બંધ નહીં કરે, તો તે સમગ્ર પ્રદેશના માળખાગત સુવિધાઓ (Infrastructure) પરના હુમલાઓને વધુ તીવ્ર બનાવશે. આનાથી વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાઈ શકે છે.
